દુર્ઘટના@સુરત: રીંગરોડ બ્રિજ ઉતરતા સમયે અજાણ્યા વાહને અડફેટે મહિલા ડોક્ટરનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર નોકરીની શિફ્ટ પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો. રીંગરોડ બ્રિજ ઉતરતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલા ડોક્ટરનું મોત નીપજ્યું હતું. પરિવારે એકની એક દીકરી ગુમાવતા શોકમાં ગરકાવ થઈ ગયું છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના મહીધરપુરા વિસ્તારમાં આવેલા કંસારા શેરીમાં 26 વર્ષીય સેફાલી આશિષભાઈ કલાઈગર પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. ભાઈ કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે. સેફાલી પરિવારની એકની એક દીકરી હોવાથી ખૂબ જ લાડ પ્યારથી પરિવારજનો એ ઉછેરી હતી અને ડોક્ટર બનાવી હતી. હાલ શેફાલી સુરત સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં રેસીડેન્ટ તબિયત તરીકે ફરજ બજાવતી હતી.
ગત 1 ડિસેમ્બરના રોજ સેફાલી સુરત સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી પૂરી કર્યા બાદ સાંજે ચાર વાગ્યે ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન રીંગરોડ બ્રિજ ઉતરતા સમયે કૃષિ બજારની સામે અજાણ્યા વાહને શેફાલીના મોપેડને ટક્કર મારી હતી. તેથી શેફાલી રોડ પર પટકાઈ હતી. રોડ પર પટકાવવાના કારણે શેફાલીના માથાના વાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને પહેલા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સેફાલીની તબિયતમાં કોઈ સુધારો ન થતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન રાત્રે મોત નિપજ્યું હતું. સેફાલીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પરિવારે એકની એક દીકરી ગુમાવી છે. આ બાબતે મહિધરપુરા પોલીસમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

