દુર્ઘટના@મોરબી: પુરપાટ ઝડપે જતી કારના ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકર મારતા યુવાનનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક પુરપાટ ઝડપે જતી કારના ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જયારે પાછળ બેસેલ એક યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જે બનાવ મામલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના માળિયા ફાટક પાસે ભારતનગરમાં રહેતા વસંતપરી ઉમેદપરી ગોસાઈએ સ્વીફ્ટ કાર જીજે ૦૩ એચએ ૦૨૬૮ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેના બહેન રુક્ષ્મણી અને ભાણેજ વિશાલપૂરી બંને મોરબી ફરિયાદીની બાજુમાં રહેતા હોય ગત તા. ૨૨ ના રોજ રાત્રીના નવેક વાગ્યે ભાણેજ વિશાલપૂરી તેનું બાઈક જીજે ૩૬ એજી ૮૮૧૦ લઈને પિક્ચર જોવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને દશેક વાગ્યે ફરિયાદીના દીકરા મંગલપરીના મોબાઈલમાં તેના મિત્ર ધનરાજ જંજવાડિયાનો ફોન આવ્યો હતો જેને જણાવ્યું હતું કે વિશાલપુરી અને તેનો મિત્ર જીતેન્દ્ર નિષાદ બંને રફાળેશ્વર તરફથી બાઈક લઈને આવતા હોય ત્યારે લાલપર ગામ નજીક કાર જીજે ૦૩ એચએ ૦૨૬૮ સાથે અકસ્માત સર્જાયો હતો.
જેમાં વિશાલપુરીને માથાના ભાગે ઈજા થતા સ્થળ પર મોત થયું હતું જયારે પાછળ બેસેલ જીતેન્દ્રને માથાના ભાગે અને શરીરે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જે અકસ્માતની જાણ થતા મોરબી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં ભાણેજ વિશાલપૂરીનો મૃતદેહ પીએમ કરાવી અંતિમવિધિ માટે સોપવામાં આવ્યો હતો આમ કાર જીજે ૦૩ એચએ ૦૨૬૮ ના ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકર મારતા ભાણેજનું મોત થયું હતું અને પાછળ બેસેલ જીતેન્દ્ર નિશાદને ઈજા પહોંચાડી કાર ચાલક કાર મૂકી નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.