દુર્ઘટના@અરવલ્લી: અંબાજી જતા પદયાત્રીઓને વાહન ચાલકે અડફેટે લીધા, 3ને ઇજા

હાલ ભાદરવી પૂનમને લઇ દૂર દૂરથી પદયાત્રા સંઘો અંબાજી ચાલતા નીકળેલ છે.
 
દુર્ઘટના@અરવલ્લી: અંબાજી જતા પદયાત્રીઓને વાહન ચાલકે અડફેટે લીધા, 3ને ઇજા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવતી હોય છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પશુ તસ્કરી કરી જીપડાલામાં હેરાફેરી કરતી વખતે પોલીસ અને RTOથી બચવા બેફામ વાહનો હંકારતા હોય છે. જેના કારણે નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકો ભોગ બનતા હોય છે. આવી જ એક ઘટના મોડાસાના સાકરીયા પાસે બનવા પામી છે.

હાલ ભાદરવી પૂનમને લઇ દૂર દૂરથી પદયાત્રા સંઘો અંબાજી ચાલતા નીકળેલ છે. હજારો પદયાત્રીઓ અરવલ્લીના માર્ગો પર ચાલી રહ્યા છે ત્યારે સવારે 9 કલાક આસપાસ માલપુર રોડથી મોડાસા તરફ પશુ ભરેલ એક જીપડાલું ઓવરસ્પીડમાં જઈ રહ્યું હતું, જે જીપડાલામાં ત્રણ પશુઓ ભરેલા હતા. તેવામાં અચાનક જીપડાલા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપડાલું રેલાવા લાગ્યું અને ત્રણ પદયાત્રીઓને અડફેટે લીધા હતા.

દાહોદ-સંજેલી તરફનો સંઘ સાકરીયા પાસેથી પસાર થતો હતો તે સમયે જીપડાલાના ચાલકે ટક્કર મારી હતી અને જીપડાલું પલટી ગયું હતું. ઘટના બનતા બીજા અન્ય પદયાત્રીઓ અને આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા અને 108 બોલાવી ત્રણેયને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં એક ગંભીર હોવાથી તેને ગોધરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ડાલામાં ભરેલા પશુઓને પણ પદયાત્રીઓએ બચાવ્યા હતા. લોકોએ જીપડાલાના ચાલકને પણ ઝડપીને પોલીસને સોંપ્યો છે. ત્યારે આ પશુઓ ચોરી ના હતા કે કેમ સમગ્ર બાબતે મોડાસા રુલર પોલીસે ફરિયાદ નોંધીને ચાલકની પૂછપરછ હાથ ધરી છે.