દુર્ઘટના@વડોદરા: ડોક્ટર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા કરૂણ મોત, જાણો સમગ્ર દુર્ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શહેરના માણેજા વિસ્તારમાં ગઈકાલે(11 ડિસેમ્બર) સાંજે સંદીપ ખૂંટ નામના ડોક્ટર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને ઉડાવ્યો હતો, જેમાં 56 વર્ષીય નયનભાઈ મરાઠે નામના સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ પણ ડોક્ટર નફ્ફટની જેમ હસતો હતો. તથા હોસ્પિટલ સામે જ એક્સિડન્ટ થયો હોવા છતાં સિક્યુરિટી ગાર્ડનો જીવ બચાવી શકાયો નહોતો.
આ અકસ્માતમાં મૃતકના પુત્ર જયરાજ નયનભાઈ મરાઠે કે જેઓ અભ્યાસ કરે છે તેમણે ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેઓના પિતા નયનભાઈ વામનરાવ મરાઠે (ઉંમર 56 વર્ષ) શિવાભી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે સાંજના અંદાજે પોણા આઠ વાગ્યે તેઓ જીજી માતાના મંદિર સામેના રોડ પરથી માણેજા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્રીજી હોસ્પિટલ સામેના રોડને ક્રોસ કરતી વખતે કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી તેમને ટક્કર મારી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, અકસ્માત બાદ મૃતકને તાત્કાલિક શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેઓને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન રાત્રે મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત સર્જનાર ડોક્ટર કાર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા નયનભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

