દુર્ઘટના@વડોદરા: કારના ચાલકે દારૂના નશામાં ધુત થઇને ટુ-વ્હીલરને અડફેટે લેતા પતિ-પત્ની અને પુત્રી ઇજાગ્રસ્ત
મહિલા ફંગોળાતાં ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર હૃદય કંપાવી ઉઠે એવી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. વડોદરા-વાઘોડિયા રોડ પર નિમેટા ગામ પાસે મહિન્દ્રા TUV કારના ચાલકે દારૂના નશામાં ધુત થઇને ટુ-વ્હીલરને અડફેટે લીધી હતી.
જેમાં એક પરિવાર ફંગોળાયો હતો. જેમાં પતિ- ગર્ભવતી પત્ની અને 6 વર્ષની દીકરી ઇજાગ્રસ્ત થયા હતા. મહિલાને 9 માસનો ગર્ભ હતો, જે રોડ પર પટકાતા તેમના ગર્ભમાં બાળકનું મોત થયું હતું. સયાજી હોસ્પિટલમાં મૃત બાળકનો જન્મ થતાં પરિવારજનોએ નવજાતને ખોળામાં લઈને ભારે આક્રંદ કર્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે એક બાળકને ગુમાવ્યું છે અને અન્ય ઈજાગ્રસ્ત બાળકીની પણ પેશાબની કોથળી ફાટી ગયાનું ડોક્ટર કહી રહ્યાં છે અને તે પણ ગંભીર છે. કારમાં સવાર 3 આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.