દુર્ઘટના@વડોદરા: યુવકે પરિવાર પર ટેમ્પો ચડાવીને કચડ્યા, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ ઘટના બાદ ગોરવા પોલીસે ટેમ્પો ચાલક તેમજ બીજા યુવાનની અટકાયત કરી છે.
 
દુર્ઘટના@વડોદરા: યુવકે પરિવાર પર ટેમ્પો ચડાવીને કચડ્યા, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના 4 સભ્યો પર ટેમ્પો ચઢાવી દેવાતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઈજાગ્રસ્તોમાં પિતા મહેમુદભાઈ મકવાણા, તેમની દીકરી પૂજા મકવાણા, રિયા મકવાણા અને સાવન મકવાણાનો સમાવેશ થાય છે. પરિવારના વડીલ મહેમુદ મકવાણા જે મહેનત મજૂરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. દુર્ઘટના બાદ તેમના શરીરનું અડધું ભાગ કામ કરવાનું બંધ થઈ ગયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

પરિવારનો આક્ષેપ છે કે, ટેમ્પો ચાલકે પોતાની સાથે આવેલા એવા યુવાનને ટેમ્પોની ચાવી આપી હતી, જ્યારે કે તેને ડ્રાઈવિંગ આવડતું જ નહોતું અને આ યુવાને ટેમ્પો ચાલુ કરતાં જ શ્રમજીવી પરિવારમાંના ચારેય સભ્યોને કચડી નાખ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ ટેમ્પો ચલાવનાર પાસે લાઈસન્સ પણ ના હતુ. આ ઘટના બાદ ગોરવા પોલીસે ટેમ્પો ચાલક તેમજ બીજા યુવાનની અટકાયત કરી છે.

સ્થાનિક રહેવાસી તોસીફ પઠાણ સહિત વિસ્તારના લોકોએ ઘટનાની જાણ થતાં જ દોડી આવ્યા હતા, અને ઇજાગ્રસ્ત શ્રમજીવી પરિવરની મદદ સાથે ન્યાય મળશે તેવી માગ કરી છે.

સ્થાનિક રહેવાસી તોસીફ પઠાણએ જણાવ્યું હતું કે, ગોરવા શાક માર્કેટ પાસે એક ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ત્યાં ફૂટપાથ પર સૂતેલા એક આખા પરિવારને કચડી નાખ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક બાળક અને એક મહિલા સહીત 4 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. હાલમાં આ તમામને સારવાર અર્થે ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ટેમ્પો ચાલક ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો, જોકે પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે ટેમ્પો ચલાવતો હતો તેનો ટેમ્પો નહતો, તે ટેમ્પો માં બેસી ગયો હતો અને ટેમ્પો ચલાવવા લાગ્યો હતો અને લોકોને કચડી નાખ્યા હતા. ટેમ્પો ચલાવતો હતો તે તો ચોળાફળી વેચે છે, તેને ટેમ્પો ચલાવતા આવડતું નહોતું તેમ છતાં ચાવી લઈને ટેમ્પોમાં બેસી ગયો હતો.