દુર્ઘટના@કલોલ: કાર ચાલકે 2 વર્ષની બાળકીને અડફેટે લેતાં મોત નીપજ્યું

રોષે ભરાયેલા લોકોના ટોળાએ તોડફોડ કરી કારને આગ ચાંપી સળગાવી દીધી હતી.
 
દુર્ઘટના@કલોલ: કારચાલકે 2 વર્ષની બાળકીને અડફેટે લેતાં મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. કારચાલકે 2 વર્ષની બાળકીને અડફેટે લેતાં મોત નીપજ્યું કલોલ તાલુકાના સાંતેજ ગામમાં ઘર પાસે રમતી બે વર્ષની બાળકીને તેજ ઝડપે ધસી આવેલી કારના ચાલકે કચડી મારતા સમગ્ર વિસ્તારમાં અરેરાટીની લાગણી વ્યાપી ગઇ હતી અને રોષે ભરાયેલા લોકોના ટોળાએ તોડફોડ કરી કારને આગ ચાંપી સળગાવી દીધી હતી. બનાવ અંગે સાંતેજ પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કારચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાંતેજ ગામમાં અકસ્માતની અરેરાટીભરી ઘટના સામે આવી છે.

2 વર્ષની માસૂમ દેવાંશી ઠાકોર પર બેફામ સ્કોર્પિયો કારના ચાલકે કાર ચડાવી દેતા બાળકીનું મોત થયુ હતું. તેના પગલે ગ્રામજનોમાં કારચાલક સામે ભારે આક્રોશ ફાટી નિકળ્યો હતો. જોતજોતામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. બાળકીની હાલત જોઇને રોષ ભભૂકી ઉઠ્યો હતો.

વિગત એવી છે કે રકનપુરના રહેવાસી રાજુજી ઠાકોરની દીકરી દેવાંશી ઘરના ઓટલા પર રમતી હતી. ત્યારે બેફામ સ્પીડમાં ધસી આવેલી સ્કોર્પિયો કારના ચાલકે વાહન ઉપરનું નિયંત્રણ ગુમાવી દીધુ હતું અને બાળકીના શરીર ઉપરથી કારના વ્હીલ ફરી વળ્યા હતાં.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે તાત્કાલિક જાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. તેના પગલે પરિવાર ઉપર આભ ફાટી પડ્યુ હોય તેવી હાલત થઇ હતી અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ કરૂણ બની ગયુ હતું.

અકસ્માત થતાની સાથે ચાલક નાસી ગયો હતો. જેથી ગામમાં ઉગ્ર આક્રોશ ફરી વળ્યો હતો. ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ કારની તોડફોડ કરી તેને આગ ચાંપી દેતા કાર સળગી ગઇ હતી.

બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કારના ચાલકની શોધખોળ શરૂ કરી હતી. કારચાલક એટલી સ્પિડે હતો કે, તેને કોઇ ભાન જ રહ્યું ન હતું. કારચાલકો બેફામ બનીને દોડી રહ્યા છે. જોકે, અકસ્માત કરી કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.