દુર્ઘટના@વડોદરા: નશામાં ધૂત કારચાલકે 8ને ઉડાવ્યા, 1નું મોત, 7 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2ની હાલત ગંભીર છે. આ ઘટનાને પગલે પોલીસ આરોપી કારચાલક રક્ષિત રવિશ ચોરસિયા અને તેની બાજુમાં બેઠેલા મીત ચૌહાણની પણ ધરપકડ કરી છે. કારચાલક રક્ષિત ચોરસિયા એમ.એસ.યુનિવર્સિમાં કાયદાનો જ્યારે મીત ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
ફોક્સવેગન વર્ચસ કાર આરોપી કાર ચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર મીત ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આરોપી પ્રાંશુ રાજેશ ચૌહાણ તથા રક્ષિત ચોરસિયાએ માદક પદાર્થ અથવા તો નશાકારક કેફી પીણું લીધું છે કે કેમ? તે ચકાસવા માટે બન્ને આરોપીના અલગ અલગ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.
અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે, એ ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ.... જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે.
મૃતક હેમાલીબેન પટેલ ધુળેટી માટે કલર લેવા નીકળ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષના જૈની, 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની અજાણી બાળકી તેમજ અજાણ્યા 40 વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે. સાસંદ ડો. હેમાંગ જોશી, કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલમાં પહોંચી મૃતકનાં પરિવારજનોને સાંત્વના આપી હતી. તે સાથે ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે તબીબોને સુચના આપી હતી.
આ ઘટનામાં મૃત્યુ પામેલા હેમાલીબેન પટેલના પતિ પુરવ પટેલની હાલત પણ ગંભીર છે. તેમની હાલ ન્યૂ સર્જીકલ વિભાગમાં સારવાર ચાલી રહી છે.હાલમાં તેમને પેટના ભાગે ફેફસાં અને માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.