દુર્ઘટના@અમદાવાદ: એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત, 3 લોકોને ઈજા

યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
 
દુર્ઘટના@અમદાવાદ: એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત, 3 લોકોને ઈજા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 
આજે વહેલી સવારે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ફોર્ચ્યુનર ડિવાઈડર કુદી સામેના રોડ પર ઉતરી ગઈ જ્યારે એસટી બસ તેની સામેના રોડ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં ફોર્ચ્યુંનર કારમાં સવાર યુવકનું મોત થયું હતું, જ્યારે યુવતી સહિત 3 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

આ ઘટનામાં ફોર્ચ્યુનર કાર નંબર GJ 18 EF 9નો કચ્ચરઘાણ બોલી ગયો છે. રોડ પર કારના ટુકડાઓ વિખેરાયેલા દેખાઈ રહ્યાં છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી કારને ક્રેનથી દુર કરી ટ્રાફિક હળવો કર્યો હતો.

આ અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ. બી. વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલનુ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. આઈ. બી. વાઘેલાના પત્ની પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે. આઈ. બી. વાઘેલા વકીલ પણ છે.

ફોર્ચ્યુંનર કારમાં ધવલ ઈશ્વરસિંહ વાઘેલા અને યુવતી દેવાંશી યોગેશ પંડ્યા સવાર હતાં. અકસ્માત સ્થળેથી બન્નેને હોસ્પિટલમાં લાવ્યા બાદ ડોક્ટરે ધવલને મૃત જાહેર કર્યા હતો, જ્યારે યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, સરખેજથી એક ફોર્ચ્યુનર કાર સ્પીડમાં ગાંધીનગર તરફ જઈ રહી છે. આ વચ્ચે ફોર્ચ્યુંનર કારના ચાલકે એક સફેદ કલરની કારને ઓવરટેક કરવા જતાં કાર ડિવાઈડરમાં અથડાઈને નીચેના રોડ પર ઉતરી જાય છે અને સામેથી આવતી એસટી બસમાં ટક્કરાઈ છે. આ ટક્કરથી બસનો ચાલક પણ કાબૂ ગુમાવે છે અને બસને ઉપરના રોડ પર ચડાવી દે છે.

આજે વહેલી સવારે સરખેજથી એક ફોર્ચ્યુનર કાર ગાંધીનગર તરફ પૂર ઝડપે જઈ રહી હતી. કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વૈષ્ણોદેવી બ્રિજના છેડે કાર પૂર ઝડપે સામેના રોડે હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ સાથે અથડાઈ હતી. ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસની પણ દિશા બદલાઈ ગઈ હતી. એસટી બસ ડિવાઇડર પર ચઢીને ગઈ હતી. આ સમગ્ર અકસ્માત દરમિયાન ફોર્ચ્યુનર કારની પાછળ આવી રહેલી બ્રેઝા કાર પણ પૂર ઝડપે અથડાઈ હતી, જેના કારણે ફોર્ચ્યુંનર અને બ્રેઝા કારનો કચ્ચરઘાણ થઈ ગયો છે.

મુખ્ય હાઈવે પર અકસ્માત થતા અડધો રસ્તો બંધ થયો હતો, જેના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય યુવતીને ગંભીર ઇજા પહોંચી છે, જેને સારવારમાં ખસેડાઈ છે. આ અકસ્માતમાં અન્ય બે લોકો અફસાનાબાનુ સમેરભાઈ ખલીફા અને રસુલભાઈ બાબુભાઈ આજમને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક ઓછો કરાવી અકસ્માત અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ ક્રેન દ્વારા ફોર્ચ્યુનર કારને ક્રેનની મદદથી હટાવી ટ્રાફિક દૂર કરવામાં આવી રહ્યો છે.