દુર્ઘટના@અમદાવાદ: બાઈક ચાલક ડિવાઇડર સાથે અથડાઈ નીચે પડતા મોત, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક પોલીસની આંખ ઉઘડી નહીં અને ફરી એકવાર બનાવ બન્યો છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલો બલોલનગર રેલવે ઓવરબ્રિજ હવે મોતનો ઓવરબ્રિજ બની ગયો છે. બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર ગઇકાલે મોડી રાત્રે ઓવર સ્પીડમાં બાઈક ચાલક જઈ રહ્યો હતો ત્યારે વળાંક પર બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું અને બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પડ્યો હતો. બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. છેલ્લા 10 દિવસમાં બલોલનગર બ્રિજના વળાંક પર અકસ્માત થઈને નીચે પડવાનો આ બીજો બનાવ છે. 7 મેના રોજ બનેલા અકસ્માતના બનાવ બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક પોલીસની આંખ ઉઘડી નહીં અને ફરી એકવાર બનાવ બન્યો છે.

રાણીપ વિસ્તારમાં આવેલા ગણેશ પ્લાઝામાં મહેશભાઈ પંચાલ તેમના પરિવાર સાથે રહે છે. મહેશભાઈની સાથે તેમના નાનાભાઈ અતુલભાઇ પણ રહે છે અને તેઓ ગાંધીનગર ખાતે આવેલી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરતા હતા. ગઇકાલે મોડી રાત્રે મહેશભાઈ અને તેમનો પરિવાર ઘરે સુતા હતા ત્યારે રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ પાડોશમાં રહેતા વ્યક્તિએ મહેશભાઈને આવીને જાણ કરી હતી કે તમારા નાના ભાઈ અતુલભાઈનો બલોલનગર બ્રિજ ઉપર અકસ્માત થયો છે જેથી મહેશભાઈ તાત્કાલિક બ્રિજ ખાતે પહોંચ્યા હતા.

બલોલનગર રેલવે ઓવરબ્રીજ ઉપર અતુલભાઈનું બાઈક પડેલું હતું અને તેમના ભાઈ બ્રિજની નીચે પડેલા હતા. તેઓએ ત્યાં જઈને જોતા તેમના માથાના ભાગે અને શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. અતુલભાઈ રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ તેમનું બાઈક લઈને ન્યુ રાણીપથી રાણીપ તરફ આવી રહ્યા હતા ત્યારે બલોલનગર બ્રિજ ઉપર બેલેન્સ ન રહેતા બાઈક ડિવાઇડર સાથે અથડાઈને તેઓ ઉછળીને બ્રિજ પરથી નીચે પડ્યા હતા અને માથાના ભાગે ઇજાઓ થતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ પણ રાત્રે સ્થળ ઉપર પહોંચી હતી. બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત મામલે મૃતક અતુલભાઇના ભાઈની ફરિયાદના આધારે બેદરકારી રીતે વાહન ચલાવી અને અકસ્માત સર્જી મોતને ભેટનાર અતુલભાઇ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.