દુર્ઘટના@ગુજરાત: કાર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ, અકસ્માતમાં 7 ઈજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જામ ખંભાળિયા-જામનગર નેશનલ હાઈવે પર કંચનપુર ગામના પાટિયા પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને પેસેન્જર ઓટો રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષામાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 3 મહિલાઓ અને 1 બાળકી સહિત કુલ 7 થી 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર થયેલા આ અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

