દુર્ઘટના@ગુજરાત: બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત

રોંગ સાઈડમાં આવી રહેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર અક્સ્માતની ઘટના સામે આવી છે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે 48 સુંદરપુરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું છે. રોંગ સાઈડમાં આવી રહેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો.

બાઈક પર બેઠેલા એક મહિલા અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે.

આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ હાઇવે ઉપર ચક્કાજામ કર્યા હતા. જેથી કપુરાઇ પોલીસ ઘટના પર દોડી આવી હતી. લોકોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે એક કલાક સુધી ચક્કા જામ કરી દીધો હતો. માત્ર એટલું જ નહીં, 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડયો રહ્યો હતો.

આ અંગે DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે સવારે અંબા ચોકડીથી આગળ GEB કટ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ફોર-વ્હીલર ગાડી રોંગ સાઈડમાં આવી રહી હતી અને કટ ક્રોસ કરીને સામેની તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ સીધા ગાડી સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલકનું કમનસીબે મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. મૃતકની ઓળખ અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. ગાડી ચાલક, જેઓ રોંગ સાઈડમાં આવી રહ્યા હતા, તેમને પણ સામાન્ય ઈજાઓ થઈ હોવાથી તેઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અકસ્માત બાદ ગામના કેટલાક લોકો એકઠા થઈ ગયા હતા અને થોડી વાર માટે ટ્રાફિક રોકાયો હતો. પોલીસ દ્વારા લોકોને સમજાવીને હાલ હાઈવે ખુલ્લો કરાવી દેવામાં આવ્યો છે. ગ્રામજનોની જે પણ રજૂઆતો છે તે સાંભળવામાં આવશે. આ બાબતે હાઈવે ઓથોરિટી, RTO અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવશે અને ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય તે માટે જરૂરી સૂચનો અને કાર્યવાહી કરવામાં આવશે.