દુર્ઘટના@ગુજરાત: કારચાલકે કપલને ટક્કર મારી, બ્રિજ પરથી પટકાતાં પતિનું મોત, જાણો સમગ્ર દુર્ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર ભયાનક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના બલોલનગર બ્રિજ પર ગતએ મોડીરાત્રે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પતિ-પત્ની એક્ટિવા પર જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી પૂરઝડપે એક કારચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવાચાલક યુવક બ્રિજ પરથી નીચે પડ્યો હતો, જેમાં કિશન વછેટા નામના એક્ટિવાચાલકનું મોત થયું છે, જ્યારે તેમનાં પત્ની કોમલને ઇજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે બ્રિજ પર લાગેલા CCTV પણ બંધ છે.
આ અંગે મૃતકના મિત્રએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે બ્રિજ ઉપર પતરાં કે ઝાળી નાખી હોત તો મારા મિત્રનો જીવ બચી જાત. કોર્પોરેશનની બેદરકારીને કારણે મારા મિત્રનો જીવ ગયો છે.
વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 જાણે મોતનો હાઇવે બની ગયો હોય એમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. ગઈકાલે કરજણ-ધાવટબ્રિજ બાદ આજે ફરી બામણગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું છે અને 20થી વધુ લોકોને નાનીમોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે. સતત બીજા દિવસે અકસ્માતના કારણે બે દિવસમાં ત્રણનો ભોગ લેવાયો છે.
જનતાનગરમાં આવાસ યોજનાના મકાનમાં રહેતો કિશન વછેટા નામનો 28 વર્ષનો યુવક પત્ની કોમલ સાથે બલોલનગરથી ન્યૂ રાણીપ થઈ ચાંદખેડા તરફ જતો હતો. આ દરમિયાન બલોલનગરબ્રિજ પર કિશનના એક્ટિવાને એક ફોર-વ્હીલરચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી.
એના કારણે કિશન બ્રિજ પરથી નીચે પટકાયો હતો, જ્યારે કિશનનાં પત્ની કોમલને કમરના ભાગે ઇજા થઈ હતી. બ્રિજ પરથી નીચે પટકાવાને કારણે કિશનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન કિશનનું મોત થયું છે. આ બનાવ અંગે એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો તપાસ શરૂ કરી છે.

