દુર્ઘટના@ડીસા: પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકસવારને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકચાલક હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો, 
 
દુર્ઘટના@ડીસા: પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકસવારને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.ડીસા-થરાદ હાઈવે પર ગતરોજએ ફરી એકવાર સ્પીડ અને બેદરકારીએ નિર્દોષનો ભોગ લીધો છે. રામપુરા પાટિયા નજીક પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઈકસવારને અડફેટે લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકચાલક હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો, જેના કારણે તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. અકસ્માતની આ હચમચાવી દેતી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ ભયંકર અકસ્માતનો CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો માં જોઈ શકાય છે કે કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માત અંગે ભીલડી પોલીસ સ્ટેશનના PI ધવલ પટેલે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક વ્યક્તિ લક્ષ્મીપુરા ગામના 43 વર્ષીય ભમરાજી દાંનાજી હોવાનું સામે આવ્યું છે.