દુર્ઘટના@થરાદ: રેન્જરોવર કાર સાથે આખલો અથડાતાં 2 યુવકોના મોત, 1 ગંભીર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારે રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી રેન્જરોવર કારનો થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર ભયાનક અકસ્માત થયો છે. આ ગંભીર ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવકમાંથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.
થરાદ-ડીસા હાઈવેના માલપુર પાસે અચાનક આખલો આડે આવતા રેન્જરોવર કાર તેની સાથે અથડાઈને સીધી ડિવાઈડર સાથે ટક્કરાતા કારના નાના ટુકડા સાથે માંસના લોચા પણ રોડ પર વિખેરાયા હતાં. આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. મૃતક યુવકોમાં એક અમરેલીનો અને બીજો રાજકોટનો હોવાનું સામે આવ્યું છે. તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે થરાડની સિવિલમાં ખસેડાયા હતાં.
થરાદ સરકારી હોસ્પિટલના ડૉ. કૃણાલ માલોસણીયાએ માહિતી આપતાં કહ્યું કે, સવારે 4:00થી 4:15 વાગ્યાની વચ્ચે ભારતમાલા રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ 108ની ટીમ દ્વારા ત્રણ લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન અમરેલીના દિવયજીત અને રાજકોટના યુવરાજસિંહને મૃત જાહેર કરાયા હતા, જ્યારે રાજકોટના હરદીપસિંહ નામના એક યુવક જીવિત મળી આવતાં તેમની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે અકસ્માત અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે દેશમાં સુરક્ષિત માર્ગો પૂરા પાડવાની સાથે અમૃતસર-જામનગર હાઇવે પર પશુઓ નહીં આવે તેમજ વાહનચાલકોની સુરક્ષા જળવાશે તેવી ખાતરી આપી હતી. જોકે, સુરક્ષાના અભાવે આ માર્ગ પર વારંવાર ગોઝારા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. NHAIની ગંભીર ખામીઓના કારણે જ આજે બે લોકોએ જીવ ગુમાવ્યો છે. વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે.
આ અકસ્માતે હાઇવે પર મુક્તપણે રખડતા પશુઓની ગંભીર સમસ્યા ફરી સપાટી પર આવી છે. રેસ્ટ એરિયા નજીક આવા અકસ્માતો અટકાવવા અને હાઇવે પરની ક્ષતિઓ હોય તેને તુરંત દૂર કરીને વાહનચાલકોની સલામતી માટે NHAI યોગ્ય ધ્યાન આપવું જોઈએ.

