દુર્ઘટના@પંચમહાલ: હાલોલ-વડોદરા હાઈવે પર એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો, બાઇક ચાલકનું મોત, પત્ની-બાળક ઘાયલ

અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર રાજ્યમાં અકસ્માતની ઘટના સામે આવી છે. પંચમહાલના હાલોલ-વડોદરા હાઈવે પર સર્વોત્તમ હોટલ નજીક એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની પત્ની અને બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મૃતક બોરસદ તાલુકાના કસુંબા ગામનો રહેવાસી હતો. તે પોતાની પત્ની અને બાળક સાથે બાઇક પર તરખંડા ગામેથી કામ પતાવી કોપરેજ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પાછળ બેઠેલી તેની પત્ની અને બાળકને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક સારવાર બાદ પત્ની અને બાળકની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.