દુર્ઘટના@પાટણ: સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ શહેરમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાના રાધનપુર-સમી માર્ગ પર ગોચનાદ ગામ નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકા દર્શન કરીને ભાભર ખાતે રહેતી પોતાની દીકરીને મળવા જઈ રહેલા સોની પરિવારની સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મૂળ ગુજરાતના અને હાલ રાજસ્થાન ખાતે સ્થાયી થયેલો સોની પરિવાર ગુજરાતમાં ફરવા માટે આવ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો.
આ કરૂણ દુર્ઘટનામાં એક જ પરિવારના 2 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સમીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત અંગેની આગળની વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.

