દુર્ઘટના@પાટણ: સમી હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, યુવકનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લાના સમી હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઇકચાલકનું મોત થયું છે. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે સમી પોલીસે તપાસ શરૂ કરી છે.
21 ઓક્ટોબર બપોરે 12 વાગે સમી હાઇવે પર ઝડપથી આવી રહેલી એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇકચાલક લગભગ 10 ફૂટ હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો. જ્યારે કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં કારની ટક્કર અને લોકોની દોડધામ સ્પષ્ટ દેખાઈ રહી છે. અકસ્માત બાદ ચાલક ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી. કારચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો.
મળતી માહિતી મુજબ, સમી હાઇવે પર પેટ્રોલ પંપ નજીક વળાંક લેતી વેળાએ પાટણ તરફથી આવી રહેલા એક કારે બાઈકચાલકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધો હતો. બાઈકચાલક હવામાં ફંગોળાઇ નીચે પડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાજર લોકોની મદદથી બાઈકચાલક યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તુરંત સારવાર અર્થે ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેણે દમ તોડ્યો હતો.
પોલીસ તપાસમાં મૃતકની ઓળખ જાખેલ ગામના 30 વર્ષીય ભરવાડ ભરત મહાદેવભાઈ તરીકે થઈ છે. મૃતક યુવક પોતાના પરિવારમાં ત્રણ નાના બાળકને વિલાપ કરતા છોડી ગયો છે.

