દુર્ઘટના@રાજકોટ: સ્કોર્પિયો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 બાળકોના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ-મોરબી હાઈવે પરથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. 14 જાન્યુઆરીની મોડી રાત્રે સ્કોર્પિયો અને I-20 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો બુકડો બોલાઈ ગયો હતો. આ ઘટનામાં 2 બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વાછકપર બેડી ગામના મોક્ષ બાબરીયા અને વાંકાનેર ગામની શ્રેયા મદરેસણીયાનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટ નજીક બેડી વાછકપર ગામે રહેતા બાબરીયા પરિવાર ગઈકાલે મકરસંક્રાંતિ પર્વ મનાવવા વાંકાનેર ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો અને મોડી રાત્રે પોતાના ગામ બેડી વાછકપર પરત આવતો હતો. આ દરમિયાન I-20 કારમાં તેમની સાથે મદરેસણીયા પરિવાર પણ હતો. ત્યારે કાગડદી પાટિયા પાસે વળાંક લેતા સમયે રાજકોટ તરફતી આવતી સ્કોર્પિયો કારએ I-20 કારને અડફેટે લીધી હતી.
I-20માં સવાર બંને માસીયાઈ ભાઈ-બહેનના મોત નિપજ્યા હતા. જ્યારે ગાડીમાં સવાર અન્ય પરિવારજનો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને બાળકોના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.
પોલીસે બેડી વાછકપર ગામે રહેતા મોક્ષ બાબરીયા અને વાંકાનેર રહેતી શ્રેયા મદરેસણીયાનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

