દુર્ઘટના@રાજકોટ: ટ્રકે રિક્ષાને અડફેટે લેતા 4 લોકોના મોત, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે

ઓટો રિક્ષામાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક મળી કુલ 3 મુસાફરો બેઠા હતા
 
દુર્ઘટના@રાજકોટ: ટ્રકે રિક્ષાને અડફેટે લેતા 4 લોકોના મોત, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ શહેરમાંથી ગઇકાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક યુવાન તેમજ બે સગા ભાઈઓ અને એક શ્રમિક મુસાફર મળી કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને FSL તેમજ RTOની મદદ લઇ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલી મેટોડા GIDC ગેઇટ નંબર 3માં આવેલ યુનિવર્સલ ટેક્નોકાસ્ટ નામના કારખાના નજીક રાત્રિના 10 વાગ્યા આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે.03.બીવાય.8889 નંબરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા જીજે.03.બીએક્સ.5656 નંબરની રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.

ઓટો રિક્ષામાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક મળી કુલ 3 મુસાફરો બેઠા હતા જે તમામ અને રિક્ષા ચાલક મળી કુલ ચાર લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓટો રિક્ષા શ્રીરામ હોસ્પિટલ પાસેથી પસાર થઇ ગેઇટ નંબર 3માં જતી હતી દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સુનિલ અશ્વિનભાઈ વરાણીયા જે પોતે મેટોડા GIDC વિસ્તારમાં આવેલા મચ્છોનગર વિસ્તારમાં જ રહેતો હોવાનું અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. મૃતક રિક્ષા ચાલક એક બેન ત્રણ ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.

આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક કે જેઓ રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા તેમના પણ મોત નિપજ્યા છે જેમાં વિશાલ સવસીભાઈ ગાંગડિયા અને વિજય સવસીભાઇ ગાંગડિયાનો સમાવેશ થાય છે.જેઓ પણ મેટોડા GIDC વિસ્તારમાં જ આવેલ રોટરી ક્લ્બ નજીક રહેતા હોવાનું સામે આવ્યું છે. મૂળ તેઓ સુરેન્દ્રનગરના વતની હતા અને અહીંયા પેઈન્ટર તરીકે મેટોડા અને આસપાસમાં પેઇન્ટિંગ કામ કરતા હતા. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલ અન્ય એક શ્રમિકની ઓળખ મેળવવા માટે પોલીસ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગેની જાણ થતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, DYSP કે જી ઝાલા સહિત મેટોડા પોલીસ તેમજ LCB ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ મેટોડા પોલીસે ચારેય મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધવા તેમજ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.