દુર્ઘટના@સુરત: KTM બાઈક અચાનક સ્લીપ થતાં ધો.9ના 2 વિદ્યાર્થીના મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાંથી હદય કાંપવી ઊઠે એવી અક્સ્માતની ઘટના સામે આવી છે.કહેવાય છે કે 'ઝડપની મજા, મોતની સજા', આ ઉક્તિ સુરતના ડુમસ વિસ્તારમાં ફરી એકવાર સાચી સાબિત થઈ છે. ભીમપોર પાસે શનિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્પોર્ટ્સ બાઈક પર સવાર ત્રણ કિશોરોમાંથી બે આશાસ્પદ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ધોરણ 9માં ભણતા આ કિશોરો મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે કાબુ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જે રુંવાડા ઉભા કરી દે તેવો છે.
મળતી વિગતો મુજબ, મગદલ્લા બંદર પાસે રણછોડ નગરમાં રહેતો 15 વર્ષીય તુષાલ શેટ્ટી તેના મિત્રો પરેશ અને મગીયા સાથે શનિવારે સાંજે ઘરેથી નીકળ્યો હતો. તેઓ તેમના મિત્ર અમિતના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયા હતા. કેક કાપ્યા બાદ ત્રણેય મિત્રો એક જ સ્પોર્ટ્સ બાઈક (KTM) પર સવાર થઈને પરત ફરી રહ્યા હતા. ખુશીનો માહોલ પળવારમાં માતમમાં ફેરવાઈ જશે તેની કોઈને કલ્પના પણ નહોતી. ગવિયર ગામ પાસે ભાટિયા ફાર્મના ગેટ સામે બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
અકસ્માત પહેલાનો એક ચોંકાવનારો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કિશોરો ફૂલ સ્પીડમાં બાઈક દોડાવી રહ્યા હતા. ડિજિટલ સ્પીડોમીટર પર બાઈકની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી વધુ દેખાઈ રહી હતી. રસ્તા પર અન્ય વાહનોને જોખમી રીતે કટ મારીને તેઓ જોરજોરથી બૂમો પાડી મોજ મસ્તી કરી રહ્યા હતા. આ 'રીલ' બનાવવાની અને સ્પીડ બતાવવાની ઘેલછા જ અંતે તેમના કાળનું કારણ બની હતી.
ફૂલ ઝડપે જતી બાઈક અચાનક સ્લીપ થઈ ગઈ હતી અને રોડ સાઈડની દિવાલ સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે પરેશ અને તુષાલ ફંગોળાઈને દૂર પડ્યા હતા. બંનેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા મિત્રોને જોઈ બાઈક ચાલક મગીયા ગભરાઈ ગયો હતો. વીડિયોમાં તે એમ્બ્યુલન્સ બોલાવવાની પણ ના પાડતો સંભળાય છે, કદાચ તે પોલીસ અને પરિવારના ડરથી ગભરાઈ ગયો હતો. જોકે, રાહદારીઓએ માનવતા દાખવી તુરંત 108ને જાણ કરી હતી.
ઘટના બાદ ત્રણેયને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પરેશને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તુષાલ ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાઈક ચાલક મગીયાને હાથના ભાગે ઈજા થઈ હતી, જેને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. એક જ અકસ્માતમાં બે મિત્રોના મોતથી સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તુષાલના પિતરાઈ ભાઈ બુલ્લુ શેટ્ટીએ ડુસકે ભરાતા જણાવ્યું હતું કે, "આ બાઈક અમારી નહોતી, તેઓ મિત્ર પાસેથી માંગીને લાવ્યા હતા. તુષાલ હજુ 15 વર્ષનો જ હતો, તેની પાસે કે તેના મિત્રો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું. તેમણે હેલ્મેટ પણ પહેર્યું ન હતું." વધુમાં તેણે ઉમેર્યું કે તુષાલ પરિવારનો એકનો એક પુત્ર હતો અને તેના પિતા કાર સર્વિસ સેન્ટરમાં કામ કરીને માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે. એક નાનકડી ભૂલ અને વિડીયો બનાવવાની લ્હાયમાં પરિવારે વહાલસોયો પુત્ર ગુમાવ્યો છે.
આ ઘટના સુરતના વાલીઓ માટે એક ગંભીર ચેતવણી સમાન છે. સગીર વયના બાળકોને લાયસન્સ વગર હાઈ-સ્પીડ સ્પોર્ટ્સ બાઈક આપવી તે કેટલું જોખમી છે તે આ અકસ્માતે સાબિત કરી દીધું છે. ખાસ કરીને રજાના દિવસોમાં ડુમસ રોડ પર સ્ટંટબાજો અને સ્પીડના શોખીન યુવાનોનો જમાવડો થતો હોય છે, જે અવારનવાર આવી દુર્ઘટનાઓને નોતરે છે. પોલીસે હવે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આખરે સગીરોને બાઈક કોણે આપી હતી.
ડુમસ પોલીસ મથકના પીઆઈ એન. વી. ભરવાડએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાઈવ વીડિયોને પુરાવા તરીકે ધ્યાને લેવામાં આવશે. બાઈક માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે કારણ કે તેણે સગીરને વાહન ચલાવવા આપ્યું હતું. શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ડ્રાઈવ ચલાવવામાં આવે છે, છતાં સગીરો દ્વારા થતા અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.

