દુર્ઘટના@સુરત: બાઈક સવાર 4 યુવક અચાનક બ્રિજ પરથી નીચે પડ્યા, 3ના મોત, 1 ઈજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાંથી હદય કંપાવતી ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક અત્યંત કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક જ બાઇક પર ચાર યુવક સવાર હતા. આ દરમિયાન બાઇક ચાલકે અચાનક સ્ટેઅરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક પૂરપાટ ઝડપે સેફ્ટી વોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ચારેય યુવક બ્રિજ પરથી 50 ફૂટથી પણ વધુ ઊંડાણમાં નીચે ખાબક્યા હતા. જેમાં ત્રણ યુવકના મોત થયા હતા જ્યારે એકને ઈજા થઈ છે.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં કીમ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ઘાયલ યુવકનું નિવેદન નોંધાયા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. એકસાથે ત્રણ યુવકના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.

