રિપોર્ટ@વડોદરા: પૂરનાં કારણે વેપારીઓનો લાખોનો માલ બગડ્યો, કેટલું નુકશાન થયું ?

2500 કરોડના નુકસાનનો વેપારીઓનો દાવો

 
રિપોર્ટ@વડોદરા: પૂરથી વેપારીઓની હાલત બગડી, કેટલું નુકશાન થયું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે શહેર જળમગ્ન બની ગયું હતું. અનરાધાર વરસેલા વરસાદને કારણે વડોદરા શહેરના માર્ગો ઉપર કેડસમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેમાં છેલ્લાં 50 વર્ષના ઇતિહાસમાં વિશ્વામિત્રી નદી પાસે સ્ટેશન વિસ્તારમાં આવેલા ગાયકવાડી સમયના કડક બજારમાં 10 ફૂટ પાણી આવી જતા 50 ઉપરાંત દુકાનો ડૂબી ગઇ હતી. તમામ દુકાનદારોને 8થી 10 લાખનો ખરાબ થઇ ગયેલો સામાન ફેંકી નવો સામાન લાવી વેપાર શરૂ કરવાનો વખત આવ્યો છે.


આ ઉપરાંત મુખ્ય માર્ગો ઉપર આવેલી દુકાનોમાં 4થી 5 ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના આડેધડ લેવાયેલા નિર્ણયના કારણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રની નદીમાં રેકોર્ડ બ્રેક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. પરિણામે વડોદરાના વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે.


શહેરમાં થયેલા ભારે વરસાદને પગલે કડક બજાર, રાવપુરા રોડ, પ્રતાપ નગર રોડ, નાગરવાડા, સલાટવાડા , મચ્છીપીઠ, બહુચરાજી રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, સુભાનપુરા, ગોત્રી સહિતના મુખ્ય માર્ગો પર કેડસમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે રોડ ઉપર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં. વેપારીઓ વિચારે તેના કરતાં અનેકગણું પાણી ઘૂસી જવાના કારણે માલસામાન તેમજ ફર્નિચરને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેમાં બેઝમેન્ટમાં 3થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના કારણે બેઝમેન્ટની દુકાનોમાં મોટું નુકસાન થયું છે. જો કે હજુ પણ શહેરના અનેક બેઝમેન્ટોમાંથી પાણીનો નિકાલ થયો નથી. તો કેટલાક બેઝમેન્ટોમાંથી પંપ મૂકી પાણી કાઢવામાં આવી રહ્યાં છે.


આ અંગે કડક બજારના વેપારી મહેશભાઇ અગ્રવાલે જણાવ્યું હતું કે, 56 વર્ષની ઉંમરમાં આવું પૂર જોયું નથી. બજારમાં 10થી 11 ફૂટ પાણી આવી ગયાં હતાં. પાણીનો ઝડપી નિકાલ ન થવાના કારણે દુકાનોનો તમામ સામાન બરબાદ થઇ ગયો છે. ખરાબ થયેલો 8થી 10 લાખનો સામાન ફેંકી દેવાની અને નવો સામાન લાવી વેપાર કરવાની ફરજ પડી છે. કડક બજાર ગાયકવાડી સમયનું બજાર છે. આ બજારમાં નાની મોટી 50 ઉપરાંત દુકાનો છે. આ બજારમાં તમામ પ્રકારની ચીજવસ્તુઓ ગ્રાહકોને મળી જાય છે. રેલવે અને એસ.ટી.ના મુસાફરો બજારમાં વધારે આવે છે. આ બજારમાં શાકભાજી બજાર પણ ભરાય છે. પરંતુ પૂરે વેપારીઓના હાલ બેહાલ કરી દીધા છે.


જ્યારે વેપારી અજયભાઇએ જણાવ્યું હતું કે, અમારી દવાઓ અને કટલરી સામાનની દુકાન છે. વિશ્વામિત્રી નદીના પૂરે બધું જ ખતમ કરી નાખ્યું છે. દવાઓ ફેંકી દેવામાં આવી છે. અમને ઓછામાં ઓછું 10 લાખનું નુકસાન થયું છે. અમને કોર્પોરેશન દ્વારા પહેલેથી જાણ કરવામાં આવી હોત તો કદાચ વધુ નુકસાન થયું ન હોત. પાછલાં વર્ષોમાં આવેલા પૂરમાં આટલું ક્યારેય નુકસાન થયું નથી. આ પૂર માટે કોર્પોરેશન જવાબદાર છે.


પૂરના કારણે થયેલા નુકસાની અંગે મુજ મહુડાના વેપારી ચેતનભાઇ પટેલે જણાવ્યું કે, અમારા રોડ ઉપર પહેલી વખત 12 ફૂટ જેટલાં પાણી જોયાં છે . ઇલેક્ટ્રોનિકનો તમામ સામાન ખરાબ થઇ ગયો છે. પૂરનાં પાણી શટરો તોડી દુકાનોમાં પ્રવેશી ગયાં હતાં. મારી દુકાનનો તમામ સામાન ભંગારમાં વેચવા સિવાય બીજો રસ્તો રહ્યો નથી. પૂર માટે જવાબદાર કોર્પોરેશને 2024-2025નો ટેક્સ માફ કરવાની જાહેરાત કરવી જોઇએ.


નિકુંજ અગ્રવાલે જણાવ્યું કે, મારી કરિયાણાની દુકાન છે. તમામ સામાન તણાઇ ગયો છે. કશું બચ્યું નથી. પૂરનાં પાણી આવી જવાના કારણે અંદાજે રૂપિયા 25 લાખનું નુકસાન થયું છે. કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. પરંતુ કેવી કામગીરી કરવામાં આવે છે તે ખબર પડતી નથી. માર્ગો ઉપર ભરાઈ જતા પાણીનો ઝડપી નિકાલ ન થવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે અને વેપારીઓને બે પાંચ વર્ષે આવો મોટો નુકસાનીનો ફટકો પડે છે. પૂર માટે કોર્પોરેશન જવાબદાર છે.


ફર્નિચરનો વેપાર કરતાં વેપારી સુરેશભાઇએ જણાવ્યું હતું કે પૂરનાં પાણીનો ઝડપી નિકાલ ન થવાના કારણે અમારી દુકાનમાં પાણી ઘૂસી જવાથી 7થી 8 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. દુકાનની અંદર તમામ સોફાસેટ, ટીપોઈ સહિતના ફર્નિચર પલળી ગયાં છે. જે હવે અમારે ભંગારમાં આપ્યા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી. કોર્પોરેશને અમોને વળતર આપવું જોઈએ એવી અમારી લાગણી અને માંગણી છે.


ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરાના નાના-મોટા વેપારીઓને ભારે નુકસાન થયું હોવાનું જણાવતા વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના પ્રમુખ પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે 2019માં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરાના વેપારીઓને અંદાજે રૂપિયા 60થી 70 કરોડનું નુકસાન થયું હતું. જ્યારે તારીખ 24મીના રોજ પડેલા ભારે વરસાદના કારણે વડોદરાના વેપારીઓને રૂપિયા 20 કરોડ ઉપરાંત નુકસાન થયું હોવાનો અંદાજ છે અને જન્માષ્ટમીની રાત્રે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે વેપારીઓને અંદાજે રૂપિયા 2500 કરોડ ઉપરાંતનું નુકસાન થયું છે. આમ છતાં, અમે સર્વે કરાવીશું. પશ્ચિમ વિસ્તારમાં સયાજીગંજ, અકોટા, સ્ટેશન, મુજમહુડા ઉપરાંત રાવપુરા રોડ, એમજી રોડ, પ્રતાપ નગર રોડ ઉપરના કાપડ, ફર્નિચરના વેપારીઓ સહિત અન્ય વેપારીઓને ભારે નુકસાન થયું છે.


વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના પ્રમુખ પરેશભાઈ પરીખે વધુમાં જણાવ્યું હતું કે 70થી 80 ટકા જેટલા વેપારીઓ પાસે ઇન્સ્યોરન્સ નથી. જેના કારણે તેઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. પરંતુ આ વખતે અમોએ નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં નાના મોટા તમામ વેપારીઓ નાનો મોટો ઇન્સ્યોરન્સ કઢાવે તે માટેનું અમે અભિયાન શરૂ કરનાર છે. આ પૂર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે તેઓએ એવો પણ દાવો કર્યો છે કે, કાચા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં આ પૂરથી 2500 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન વેપારીઓને થયું હોવાનું સામે આવ્યું છે.