રિપોર્ટ@થરાદ: ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી

બંને આરોપી પાસેથે મળ્યા દાગીના
 
રિપોર્ટ@થરાદ: ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના અવાર-નવાર બનાવો સામે આવતા હોય છે. બોર્ડરના જિલ્લાઓમાં તસ્કરીના બનાવો વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન સ્થાનિક તસ્કરો પણ ઠંડીની મોસમમાં સક્રિય થવાને પગલે હવે સ્થાનિક પોલીસ પણ તેઓને ઝડપી લેવા માટે સક્રિય થઈ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં થયેલી ચોરીને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલી છે. બનાસકાંઠા પોલીસે ઘરફોડ ચોરીઓને અટકાવવા માટે સ્થાનિક વિસ્તારોમાં સક્રિયતા વધારવાને લઈ 2 તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે.

પાલનપુર એલસીબીની ટીમ દ્વારા તસ્કરો સહિતના ગુનાહીત પ્રવૃત્તિ કરનારાઓ પર નજર રાખવા દરમિયાન બાતમી મળી હતી. બાતમી આધારે ઘરફોડ ચોરી કરનારા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

સ્થાનિક એલસીબીની ટીમના અધિકારીઓને બાતમી મળી હતી. બાતમી મુજબ ઘરફોડ ચોર ચોરી કરેલા દાગીનાને વેચવા માટે બાઈક લઈને નિકળ્યા છે. ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ એલસીબીની ટીમ આ અંગે બાતમી મુજબ આરોપીઓને બાઈક પર પસાર થતા ઝડપી લેવા માટે કામે લાગી હતી.

આ દરમિયાન તસ્કર આરોપીઓ પોલીસને હાથ લાગ્યા હતા. ધાનેરા વિસ્તારમાં એક બાઈક પર પસાર થઈ રહેલા ભરત ઠાકોર અને મુકેશ ઠાકોરને રોકીને પૂછપરછ હાથ ધરી હતી. તેમજ તેમની તલાશી લેતા બંને પાસેથી સોના અને ચાંદીના ઘરેણાં મળી આવ્યા હતા. જે અંગે બંનેએ સંતોષજનક જવાબ નહીં આપતા અટકાયત કરીને તપાસ શરુ કરી હતી. જેમાં બંનેએ ચોરીની કબૂલાત કરી લીધી હતી.

આરોપીઓએ આખરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, બંને જણાએ થરાદના ખેંગારપુરામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીના ગુનાનો ભેદ ઉકેલાતા સોના અને ચાંદીના દાગીના બંને પાસેથી મળી આવતા જપ્ત કર્યા હતા. જે તેઓએ ખેંગારપુરા ગામે ધીરાભાઈ અણદાભાઈ પટેલના ઘરેથી ચોરી કર્યા. હતા.