આક્ષેપ@મહેસાણા: રાશનની દુકાનમાંથી ખરીદેલા ચોખા ભેળસેળવાળા તેમજ પ્લાસ્ટિકના હોવાનો પરિવારે આક્ષેપ કર્યો

પાણીમાં તરતા હોવાનો પરિવારનો આક્ષેપ
 
 આક્ષેપ@મહેસાણા: રાશનની દુકાનમાંથી ખરીદેલા ચોખા ભેળસેળવાળા તેમજ પ્લાસ્ટિકના હોવાનો પરિવારે આક્ષેપ કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં નક્લી ચીજવસ્તુઓનો જાણે રાફડો ફાટ્યો છે. એક બાદ એક નક્લીની ભરમાર સામે આવી રહી છે. હવે ખાદ્યચીજોમાં પણ નક્લી વસ્તુઓ પધરાવી દઈ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ઘટના છાશવારે સામે આવી રહી છે. પહેલા નક્લી ઘી, નક્લી દૂધ, નક્લી માવો, નક્લી સીંગતેલ, નક્લી ઈનો, નક્લી દવાઓ બાદ હવે ચોખા પણ નક્લી હોવાની રાવ મહેસાણાનો એક પરિવાર કરી રહ્યો છે.

મહેસાણાના કડીમાં રાશનની દુકાનમાંથી ખરીદેલા ચોખા ભેળસેળવાળા તેમજ પ્લાસ્ટિકના હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. જ્યારે ચોખાને રાંધવા માટે ગેસ પર મુક્યા તો ચોખા પાણીમાં તરવા લાગ્યા હતા અને આ ચોખા ખાધા ત્યારે પણ પ્લાસ્ટિક જેવો અનુભવ થયો હતો. પરિવારના જણાવ્યા મુજબ ચોખા કડીના ચબુતરા ચોક પાસે સસ્તા અનાજની દુકાનમાંથી ખરીદ્યા હતા. જ્યાંથી અવારનવાર ભેળસેળવાળા ચોખા વેચાતા હોવાનો પણ આક્ષેપ છે.

પરિવારના આક્ષેપ બાદ રાશનની દુકાન સામે ચોક્કસથી સવાલ ઉઠે કે શું ખરેખર ચોખાના નામે ભેળસેળિયા પ્લાસ્ટિકિયા ચોખા પધરાવવામાં આવી રહ્યા છે. જો આમ થતુ હોય તો ફુડ વિભાગ સસ્તા અનાજની દુકાનની યોગ્ય તપાસ કરે તેવી માગ ઉઠી છે. જો આ ચોખામાં કોઈ ભેળસેળ છે તો ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હવે જોવુ રહ્યુ કે ફુડ વિભાગ આ બાબતે શું કાર્યવાહી કરે છે. કડીના સ્થાનિકોને આવા જ ચોખા મળતા રહેશે કે પછી ગુણવત્તામાં સુધાર આવશે તે પણ જોવુ રહ્યુ.