ગુનો@અમદાવાદ: પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી મોંઘું લેપટોપ અને આઈપેડ ચોરી

મોંઘું લેપટોપ અને આઈપેડ ચોરી
 
ગુનો@અમદાવાદ: પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી મોંઘું લેપટોપ અને આઈપેડ ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.  અમદાવાદમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. પાર્કિંગમાં રહેલી કારનો કાચ તોડીને કારમાં રહેલી ચીજવસ્તુઓ ચોરનારી ટોળકી સક્રિય થઈ ગઈ છે. શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં રહેલી કારમાંથી મોંઘાદાટ લેપટોપ અને આઈપેડની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કારનો કાચ તોડીને શખસે ગાડીમાં પડેલી બેગ ચોરી લીધી હતી.


અંકિત શાહ હોલસેલ દવાઓનો ધંધો કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને મારી પત્ની અમારી ગાડી લઈને સીજી રોડ વિસ્તારમાં ખરીદી કરવા ગયા હતાં. મારી ફોર વ્હીલ ગાડી સ્ટેડીયમ સર્કલથી આગળ ફેમીના શો-રૂમની સામેની બાજુના ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં પાર્ક કરી અને ગાડીની પાછળની સીટમાં મારૂ એક બ્રાઉન કલરનું બેગ રાખી ગાડી લોક કરી અમે ખરીદી કરવા ગયા હતાં. ત્યાર બાદ ખરીદી કરી મારી ગાડી પાસે આવીને જોયું તો ડ્રાઇવરની સીટની પાછળ વાળી સીટની જમણી બાજુના દરવાજાનો કાચ તુટી ગયો હતો.


ગાડીની પાછળની સીટ પર રાખેલ મારી બેગ હતી નહી. આ બેગમાં માઇક્રોસોફ્ટ કંપનીનું લેપટોપ તથા એપ્પલ કંપનીનું આઇપેડ, લેપટોપનું તથા આઇપેડનું તથા ફોનના ચાર્જર અને 1 TB હાર્ડ ડિસ્ક હતી. તે ઉપરાંત મારો ભારતીય પાસપોર્ટ, બેંકોના ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ તથા મારા અસલ ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ પાનકાર્ડ રાખી મુકેલ હતા. જે બેગ કોઇ અજાણ્યો ચોર સદર ગાડીના ડ્રાઇવર સીટની પાછળના ભાગના દરવાજનો કાચ તોડી બેગ ચોરી કરી લઈ ગયો છે. બેગમાં કુલ 1.65 લાખ રૂપિયાની સામગ્રી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.