ગુનો@અમદાવાદ: ખાનગી કંપનીના કર્મચારીઓ પાસેથી 25 લાખ ભરેલો થેલો લૂંટી આરોપી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ક્રાઈમ રેટ ઊંચો જઈ રહ્યો છે ત્યારે શહેરમાં લૂંટારું બંટી બબલીનો આતંક વધી રહ્યો છે. બી. પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજર અને પટાવાળો સીજી રોડ પરની આંગડિયા પેઢીમાંથી 25 લાખની રોકડ લઇને નીકળતા હતા ત્યારે IIM પાસે બંટી બબલી તેમની નજીક આવ્યા અને અકસ્માત કેમ કર્યો તેમ કહીને બબાલ કરી હતી.
ત્યારબાદ બંટી બબલી 25 લાખ ભરેલો થેલો લૂંટી પાંજરાપોળ તરફ ફરાર થઇ ગયા હતા. સબ સલામતના દાવા વચ્ચે આ પ્રકારની ઉપરા છાપરી બનેલી લૂંટની ઘટનામાં હજુ સુધી એક પણ બનાવના આરોપીઓ ન પકડાતા ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસની નિષ્ફળતા સામે આવી છે. ત્યારે હાલ ગુજરાત યુનિ. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. જો કે સીસીટીવીમાં બે કપલ આગળ પાછળ નીકળતા હોવાથી આ ગુનામાં બે લોકો સંડોવાયેલા છે
કે વધુ લોકો તે બાબતે પણ તપાસ શરૂ કરાઇ છે.
વેજલપુરમાં આવેલા કેવલ્ય ધામ ટાવરમાં રહેતા વિજય ગોહેલ બી. પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ની સિંધુભવન રોડ પરની ઓફિસમાં 23 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
મંગળવારે સીજી રોડ પરના ઇસ્કોન આર્કેડના વી. પટેલ આંગડિયામાંથી 25 લાખનું આંગડિયું આવ્યું હોવાનો ફોન આવતા વિજયભાઇ અને પટાવાળા વિરેન્દ્ર વિસ્ટ એક્ટિવા લઇને 25 લાખ લેવા નીકળ્યા હતા. બપોરે ચારેક વાગ્યે તેઓએ 25 લાખ લઇને સીજી રોડથી ગુલબાઇ ટેકરા થઇને પાંજરાપોળથી આઇઆઇએમ થઇને સિંધુભવન જતા હતા. ત્યારે એક બાઇક પર બંટી બબલી આવ્યા અને અકસ્માત કેમ કર્યો અમને પગે વાગ્યું તેમ કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં એક્ટિવા પાછળ બેઠેલા પટાવાળા વિરેન્દ્રના હાથમાંથી 25 લાખ ભરેલો થેલો લૂંટી બંટી બબલી ફરાર થઇ ગયા હતા. જે મામલે હવે ગુજરાત યુનિ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દારૂ-જુગાર બંધ કરાવવામાં પોલીસ વ્યસ્ત, ગુનેગારો મસ્ત
શહેર પોલીસ કમિશનર તરીકે જી. એસ. મલિકે ચાર્જ સંભાળતાની સાથે શહેર પોલીસમાં પેંસેલો સડો દૂર કરવા તેઓએ કડકાઇ દાખવી દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવાની કડક સૂચના આપી હતી. જેથી સ્થાનિક પોલીસ સતત આ જ કામમાં વ્યસ્ત રહેતા ગુનેગારો બેફાન બન્યા છે. એકાદ અઠવાડિયા પહેલાં લો ગાર્ડન પાસે પેપર પ્રિન્ટની કંપનીનો કર્મી 3.64 લાખ લઇને જતો હતો. ત્યારે બંટી બબલી સહિત ચાર લોકોએ અકસ્માતનો ડોળ કરી લૂંટી લીધો હતો. જ્યારે નારણપુરામાં એક વેપારી સાત લાખ લઇને જતા હતા ત્યારે શખ્સોએ છરો બતાવી રૂ. 7.21 લાખની લૂંટ ચલાવી હતી. આ તમામ ઘટનામાં અનેક દિવસો બાદ પણ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચ ગુનેગારો સુધી ન પહોંચતા લોકોને ભગવાન ભરોસે રહેવાનો વારો આવ્યો છે.
જીપીએસ ટ્રેકર રાખવાની સૂચનાનું પાલન થતું નથી
એલિસબ્રિજ અને આઇઆઇએમ રોડ પર બનેલી બંને ઘટનામાં ભોગ બનનાર સીજી રોડ પરથી નાણાં લઇને નીકળ્યા હતા. અગાઉ પણ અનેક લૂંટ કેસમાં સીજી રોડ પરથી જ ભોગ બનનાર નીકળતા હતા ત્યારે લૂંટારુઓ ત્યાંથી જ તેમનો પીછો કરતા હોવાનું સામે આવ્યું હતું. આંગડિયા પેઢીની આસપાસ પોલીસની વોચ ન હોવાથી ક્યાંક લૂંટારુઓને મોકળું મેદાન મળી રહ્યું છે. અગાઉ જ્યારે આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ બનવવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા તેમને ઘણી વખત પ્રોટેક્શન આપવાથી માંડીને નાણાં ભરેલા થેલામાં GPSનો પણ ઉપયોગ કરવા માટે સૂચનો આપ્યા હોવા છતાંય તેનું પાલન થતું ન હોવાથી આ પ્રકારની ઘટના બની રહી છે.
ત્રણેક કલાક પોલીસ હદની બબાલ, ફરિયાદ મોડી
ઘટના બપોરે 4 વાગ્યા બાદ બની હતી. ફરિયાદીએ પહેલા ઓફિસમાં જાણ કરી, બાદમાં પોલીસને જાણ કરતા સેટેલાઇટ પોલીસ સ્ટેશને તેઓને મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી બોડકદેવની હદ હોવાનું કહેતા ભોગ બનનાર બોદકદેવ પોલીસ મથકે પહોંચ્યા ત્યારે ગુજરાત યુનિ. પોલીસની હદ હોવાથી ત્રણેક કલાક બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
સીસીટીવી ફૂટેજમાં બાઇક પાછળ જય માતાજીનું લખાણ લખેલ હતું
આ ઘટના બન્યા બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. જો કે તેમાં બનાવ સ્થળ પાસેના કેફે સિવાય ક્યાંય સીસીટીવી ન હોવાથી પોલીસે પાંજરાપોળ ચાર રસ્તાના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. જેમાં શંકાસ્પદ બંટી બબલી જય માતાજી લખેલા બાઇક પર જતા દેખાતા પોલીસે આવા બાઇકની શોધખોળ શરૂ કરી છે.