કાર્યવાહી@ભાવનગર: યુવકની હત્યાના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા. 20 હજારનો દંડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીના વેવિશાળ બાબતે બે પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી અને લડાઇ ઝઘડામાં ઉશ્કેરાયેલા શખ્સ યુવતીના બનેવી ઉપર એક શખ્સ છરીનો ઘા ઝીંકી હત્યા કેસ માં આરોપી ને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા. 20 હજારનો દંડ જ્યારે અન્ય ત્રણ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.
આ કેસની જાણવા મળેલ વિગતો મુજબ આજથી બે વર્ષ પુર્વે તા. 22/11/2021 ના રોજ ચીત્રા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હિતેશ મનસુખભાઇ ચુડાસમાના પત્નિ કૃપાલીબેનની બહેન તમન્ના સાથે વેવિશાળ કરવા માટે નરેશ ઉર્ફે નરેન બાવલભાઇ મારૂ નામના શખ્સ વાત કરતા તમન્ના હજુ 18 વર્ષની ન હોય ના પાડેલ દરમીયાન નરેશ કૃપાલીબેનના મમ્મીના ઘરે વેવિશાળની વાતચીત કરવા પહોંચ્યો હતો.
અને ત્યારે પણ કૃપાલીબેન સહિતના એ હજુ તમન્ના 18 વર્ષની ના હોય વેવિશાળ કરવાની ના પાડતા હિતેરાભાઇ અને નરેરાભાઇ વચ્ચે બોલાચાલી થયેલ દરમિયાન નરેશે ફોન કરી તેના મિત્રોને બોલાવ્યા હતા આ દરમિયાન બંન્ને વચ્ચે લડાઇ ઝઘડો થતા અને બોલાચાલી થતા ઉશ્કેરાયેલા નરેનના મિત્ર ચિરાગ ઉર્ફે ચિકો સુનીલભાઇ ગોહેલ ઉ.વ.21 એ ઉશ્કેરાઇ જઇ હિતેશભાઇને સાથળના ભાગે છરીનો ઘા ઝીકી દીધેલ અને ધમકી આપી ચાલ્યા ગયેલ ત્યારબાદ તાત્કાલીક હિતેષભાઇને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યા સારવાર દરમ્યાન હિતેશભાઇનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદા ની અદાલતમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ મનોજભાઇ જોષીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી નં. (1) ચિરાગભાઇ ઉર્ફે ચિકો સુનિલભાઇ ગોહેલ સામે ઇ.પી.કો. કલમ 304 પાર્ટ-2 મુજબનો ગુનો સાબીત માની આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા. 20 હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદની સજા અદાલતે ફટકારી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.