કાર્યવાહી@સુરતઃ વોર્ડ નં.12 ના મહામંત્રી વિજય મોદી દારૂ સાથે રંગેહાથ, બુટલેગર પુત્ર વોન્ટેડ

પોલીસે લક્ષ્મીભવનમાં દરોડો પાડી 645 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં સુરત શહેર ભાજપના વધુ એક હોદ્દેદાર દારૂના જથ્થા સાથે ઝડપાતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.સુરતના વોર્ડ નં.12 ના ભાજપ મહામંત્રી વિજય રતિલાલ મોદી (ઉં.62) ના ઘરે જ દારૂની હાટડી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. લાલગેટ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લાલગેટ ખાંડબજાર સ્થિત લક્ષ્મીભવનના પહેલા માળે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન ઘરમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 645 નાની-મોટી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેની કિંમત અંદાજે રૂ. 2.65 લાખ થાય છે.

પોલીસે દારૂના જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન મળી કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂના પેકિંગ માટે રાખવામાં આવેલા કરણ પાનવાલાને ઝડપી લીધો છે. જ્યારે આ ગુનામાં મહામંત્રીના પુત્ર રાજ મોદીનું નામ પણ સામે આવ્યું છે. હાલ રાજ મોદીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજ મોદી સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે અને તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. બાપ-દીકરાની જોડી મળીને સુરતમાં દારૂનો વેપલો ચલાવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.

આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને-કોને સપ્લાય કરવામાં આવતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે અંગે લાલગેટ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ મોદીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.