કાર્યવાહી@અમદાવાદ: બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પર્દાફાશ કરીને પેઢીના સંચાલકની ધરપકડ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ-દહેગામ રોડ પર નરોડા ખાતેની એક કંપની પર દરોડા પાડીને ખોટી રીતે લેવામાં આવેલી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પર્દાફાશ કરીને પેઢીના સંચાલકની ધરપકડ કરી છે. પેઢીના સંચાલકોએ બોગસ કંપની બનાવી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. અધિકારીઓએ 15 સ્થળે દરોડા પાડીને આ કૌભાંડ શોધી કાઢ્યું હતું.
DGGIના અધિકારીઓએ બાતમીને આધારે અમદાવાદ-દહેગામ રોડ પર આવેલી જેડી ઇન્ટરનેશનલ કંપનીની ઓફિસ અને તેને સંલગ્ન 15 જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં એવું સામે આવ્યું હતું કે આ કંપનીના સંચાલકો બાગબાન કંપનીના ડિલરો પાસેથી માત્ર તમાકુના બિલો લઈને તેને આધારે ખોટી રીતે ક્રેડિટ મેળવી રહ્યા હતા. અધિકારીઓએ જેડી ઇન્ટરનેશનલના સંચાલક દીપેશ જૈનની તપાસ શરૂ કરી હતી પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કંપનીનું સંચાલન હર્ષ પટેલ કરે છે અને તે જ કંપનીનો મૂળ માલિક છે. તેને આધારે અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી અને જેડી ઇન્ટરનેશનલ કંપનીના તમામ વ્યવહારો ચકાસ્યા હતા જેમાં તેમને ઘણા મોટા કૌભાંડની વિગતો મળી છે તપાસ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.