કાર્યવાહી@વડોદરા: ગેંગરેપના 2 આરોપીનાં મકાનો પર 72 કલાક બાદ બુલડોઝર ફેરવાશે

છેલ્લાં 15-20 વર્ષથી વડોદરામાં ગેરકાયદે મકાનમાં રહેતા દુષ્કર્મના આરોપીઓનાં મકાનો પર બુલડોઝર ફેરવવા વડોદરાનું તંત્ર ઉત્તરપ્રદેશ જેવી કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.
 
કાર્યવાહી@વડોદરા: ગેંગરેપના 2 આરોપીનાં મકાનો પર 72 કલાક બાદ બુલડોઝર ફેરવાશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરાના ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગરેપની ઘટના બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા ત્રણ આરોપી પૈકી બે આરોપીનાં મકાનો પર 72 કલાક બાદ બુલડોઝર ફેરવી દેવાશે, જ્યારે અન્ય એક આરોપીનું મકાન પાલિકા દ્વારા આપવામાં આવેલું હોઈ, કાયદેસર હોવાથી નોટિસ આપવામાં આવી નથી. છેલ્લાં 15-20 વર્ષથી વડોદરામાં ગેરકાયદે મકાનમાં રહેતા દુષ્કર્મના આરોપીઓનાં મકાનો પર બુલડોઝર ફેરવવા વડોદરાનું તંત્ર ઉત્તરપ્રદેશ જેવી કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.

શહેરના છેવાડે આવેલા ભાયલીમાં નવરાત્રિના બીજા નોરતે સગીરા ઉપર આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી એક આરોપીના આજે વહેલી સવારે સ્પમના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. પોલીસે આરોપીની કમ્મરતોડ સરભરા કરી હોવાથી એક કલાક જેટલો સમય આરોપીને સ્પમ આપવા માટે લાગ્યો હતો. તાલુકા પોલીસ દ્વારા ત્રણેય હવસખોર સામે મજબૂત પુરાવા ઊભા કરવા માટે મોડીરાત્રે ગોત્રી જનરલ હોસ્પિટલમાં સ્પર્મ સેમ્પલ લેવા માટે લઈ જવાયા હતા, જેમાં બે આરોપી મુમતાજ ઉર્ફે આફતાબ બનજારા અને શાહરુખ બનજારાના સેમ્પલ આપી શક્યા હતા. જ્યારે મુન્ના અબ્બાસ બનજારાની પોલીસે 'ટ્રીટમેન્ટ' કરી હોવાથી તે રાત્રે પાંચ વખત પ્રયત્નો કરવા છતાં સેમ્પલ આપી શક્યો નહોતો. આખરે તેને આજે(9 ઓક્ટોબર) વહેલી સવારે લઈ જવામાં આવ્યો હતો. સવારે પણ એક કલાકના પ્રયાસ બાદ તે સેમ્પલ આપી શક્યો હતો.

ઉલ્લેખનીય છે કે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બે આરોપી ગેરકાયદે વસાહતમાં રહેતા હોવાથી પાલિકા દ્વારા 72 કલાકમાં જવાબ રજૂ કરવાની નોટિસ આપવામાં આવી છે. એ બાદ પાલિકાનું બુલડોઝર તેમનાં મકાનોનો સફાયો કરી દેશે એવી તૈયારી તંત્રએ કરી છે. આમ, વડોદરામાં જઘન્ય અપરાધને અંજામ આપનારાઓને તમામ રીતે તોડી પાડવા માટે સરકાર અને તંત્ર કટિબદ્ધ બન્યાં છે.

ડેપ્યુટી ટીડીઓ દિનેશ દેવમુરારિએ જણાવ્યું હતું કે નવરાત્રિના બીજા નોરતે સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતી ગેંગરેપની ઘટના ભાયલીમાં બની હતી, જેમાં મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરાના તાંદલજા કાળી તલાવડી પાસે રહેતા ત્રણ આરોપીની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પૈકી મુન્ના અબ્બાસ બનજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બનજારા એકતાનગર વસાહત ખાતે ઊભા કરાયેલા ગેરકાયદે મકાનોમાં રહેતા હોવાનું પાલિકાના ધ્યાનમાં આવ્યું છે, આથી તેમને ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જ્યારે ત્રીજો આરોપી શાહરુખનું મકાન પાલિકાના ક્વાર્ટરમાં હોવાથી નોટિસ આપવામાં આવી નથી.

વડોદરા પાલિકા દ્વારા એકતાનગર ખાતે બંને આરોપીનાં ગેરકાયદે મકાનો દૂર કરવા માટેની નોટિસ ત્યાં ચોંટાડવામાં આવી છે અને ત્રણ દિવસમાં જવાબ માગવામાં આવ્યો છે. એ બાદ પાલિકાનું તંત્ર તેમનાં મકાનો પર બુલડોઝર ફેરવશે એ નક્કી છે. આ મામલાનો ત્રીજો આરોપી શાહરુખ બનજારા તાંદલજા વિસ્તારમાં આવેલા રોયલ વુડાના મકાનમાં રહે છે. તેને આ મકાન કેવી રીતે મળ્યું અને હાલ તે ભાડેથી રહે છે કે કેમ એ અંગેની માહિતી એકત્ર કરવા માટે પાલિકાની ટીમ આજે સ્થળ મુલાકાત કરશે. પાલિકા દ્વારા શાહરુખના મકાનને પણ સીલ કરે એવી શક્યતા છે.

આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ આખી રાત ઊંઘ્યા નહોતા અને આખી રાત પડખાં ફેરવ્યાં હતાં. ત્રણેય આરોપીને હાલ તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓએ પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડી વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો, આથી આજે પોલીસ આરોપીઓને સાથે રાખી ફાયરબ્રિગેડની મદદ લઈ 17 કિમી લાંબી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ શોધવા પહોંચી હતી. પાણી ડહોળું હોવાથી ફાયરબ્રિગેડની ટીમને મોબાઈલ શોધવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. પોલીસ કેમેરાથી અન્ડરવોટર સર્ચ કર્યું હતું.