કાર્યવાહી@અમદાવાદ: કાલુપુરમાં બુલડોઝર સામે વેપારીઓ મેદાને!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ઝૂલતા મિનારા પાસે આવેલી કોર્પોરેશનની ભાડાપટ્ટે અપાયેલી 20 દુકાનોનું ડિમોલિશન શરૂ કરાતા વેપારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
પોલીસ બંદોબસ્ત સાથે AMCની ટીમ ડિમોલિશનની કામગીરી શરૂ કરે તે પહેલા જ મહિલાઓ JCB આગળ બેસી ગઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓને દૂર કરવાનો પ્રયાસ કરતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
*કોર્પોરેશને નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશન હાથ ધર્યું*
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ મિલકતોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા તેઓને સાંભળવા માટેની તક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવી દેવામાં આવી હતી.
આજે બપોરે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ બુલડોઝર લઈને પોલીસ બંદોબસ્ત સાથે કોમર્શિયલ મિલકતોની આસપાસના દબાણોને દૂર કરવા માટે પહોંચતા વેપારીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો.
*"અમને બે દિવસનો સમય આપવામાં આવે" - સજ્જોબાનું*
સ્થાનિક સજ્જોબાનુંએ જણાવ્યું હતું કે, અમારી ટ્રાન્સપોર્ટની દુકાન છે, જેનું 70 વર્ષથી વેરો, ભાડું અને લાઈટ બિલ પણ ભર્યું છે. પરંતુ અચાનક અમારી દુકાનો તોડવા માટે આવી ગયા છે. અમે એવું કહી રહ્યા છીએ કે, અમને સોમવાર સુધી મુદત આપવામાં આવે. કોર્ટ જે નિર્ણય લેશે તેને અમે માન્ય ગણીશું.
દુકાનના આધારે અમારું ઘર ચાલે છે તો અમને બીજી જગ્યાએ દુકાન આપવામાં આવે. અમારી દુકાન તોડવામાં આવશે તો અમે ખાઈશું શું અને બાળકોની ફી ક્યાંથી ભરીશું? સવારથી ભૂખ્યા તરસ્યા બેઠા છીએ કે અમને બે દિવસનો સમય આપવામાં આવે.
*AMCનું શું કહેવું છે?*
AMCના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જિનિયરે જણાવ્યું હતું કે, રોડ પહોળો કરવા માટે અત્યારે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. 5 JCB અને 50 જેટલા સ્ટાફ દ્વારા 20 દુકાનો તોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

