કાર્યવાહી@ગાંધીનગર: બાળકી પર દુષ્કર્મ કરનારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
અટલ સમાચાર ડોટ, કોમ
ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી. ગાંધીનગરના સેક્ટર-24ના ઈન્દિરા નગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ સજા સંભળાવી છે. કોર્ટે જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસ ફટકારી છે. આ ઉપરાંત, પીડિતાને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે કેદમાં દોષિતનું મોત થાય પછી જ લાશ તેના વાલીને સોંપવા માટે હુકમ કર્યો છે.
ઘટનાની વિગતો મુજબ, 15 ડિસેમ્બર 2025ના રોજ આરોપીએ ગાંધીનગરમાં 4 વર્ષની બાળકીના ઘરની રેકી કર્યા બાદ રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને સૂતેલી બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ આરોપી બાળકીને મૃત સમજીને ત્યાં છોડીને ભાગી ગયો હતો.
પરંતુ થોડીવાર બાદ તે ફરીથી એ ચેક કરવા પાછો આવ્યો હતો કે બાળકી જીવતી છે કે મરી ગઈ છે. જોકે બાળકીની હિંમત અને કુદરતી કરામતને કારણે હોશમાં આવતા જ તે લથડતા પગે પરિવાર પાસે પહોંચી ગઈ અને સમગ્ર પાપનો પર્દાફાશ થયો હતો.
આ કેસમાં આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આરોપી જેલમાં મર્યા પછી જ લાશ પરિવારને સોંપવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ચકચાર ભર્યાં ચાર વર્ષની દીકરીના દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન છેલ્લા શ્વાસ સુધીની સજા કરતો હુકમ સ્પેશિયલ કોર્ટના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ સ્પેશિયલ જજ એસ.વી. શર્માએ આપ્યો છે. જે કેસમાં સરકારી વકીલ તરીકે હું હાજર રહેલો અને આ કેસ 5 મહિના અને 10 દિવસમાં ચલાવી કેસ પૂર્ણ કર્યો હતો. પુરાવાના આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને છેલ્લા શ્વાસ સુધીની કે જ્યાં સુધી આરોપી જીવતો હોય ત્યાં સુધી અને મરી જાય પછી એની લાશ એના વાલીને આપવાનો હુકમ કર્યો છે.
આ ગુનાની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો અને તે સતત બાળકીની રેકી કરતો હતો. ગુનો આચરીને તે પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને 5 દિવસમાં જ દબોચી લીધો હતો.
બાદમાં જ્યારે પોલીસ આરોપીને ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાની કોશિશ કરી હતી. આ સમયે પોલીસે આત્મરક્ષણ અને નરાધમને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. આ ઘટના બાદ તેને સિવિલમાં સારવાર આપી રિમાન્ડ મેળવાયા હતા

