કાર્યવાહી@રાજકોટ: એક સાથે 12 જેટલા મંદિરો પર બુલડોઝર ફર્યું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં ગઇકાલ રાત્રે 8 હનુમાનજીની દેરી સહિત 12 મંદિર તોડી પડાયા હતા. રાજકોટમાં 14 મેની મોડીરાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન મવડી મેઈન રોડ પર સ્થાનિકો દ્વારા રસ્તા પર બેસી મંદિર બચાવવા રામધૂન બોલાવવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે અધિકારીઓ સાથે રકઝક કરી નડતર રૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું. આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા મંદિરના બદલે રસ્તા પરમાં ઓટાને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો.
સ્થાનિકોએ ભાજપની નીતિ સામે સવાલો ઊઠાવ્યાં હતાં. એક સ્થાનિકે કહ્યું કે, ભાજપ ધર્મના નામે મત માગીને ચૂટાઈ છે. હિન્દુઓએ ભાજપને ભરી-ભરીને મત આપ્યાં. કોર્પોરેટરોને મત મળી ગયાં તો આજે આરામથી સૂતા છે. આજે 2 લોકો જાગ્યા, કાલે 5 હજાર જાગશે, સત્તા ક્યારે જતી રહેશે તે પણ નહિ ખબર પડે.
રાજકોટ મહાનગપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી ચાલી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે. એમ. કૈલા, 5 PSI અને 60 પોલીસ કર્મચારીઓન બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.

