કાર્યવાહી@સુરતઃ જેલમાં VIP ટ્રીટમેન્ટનો પર્દાફાશ: 11 મોબાઈલ મળ્યા, 8 કર્મચારીઓ સસ્પેન્ડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં હોટેલ જેવી સવલતો અને ચાલતા ગેરકાયદે ગોરખધંધા સામે આખરે વડી કચેરી દ્વારા કડક શિસ્તભંગનાં પગલાં ભરવામાં આવ્યા છે. અમદાવાદની સ્પેશિયલ જેલ ઝડતી સ્ક્વોડે પાડેલા સરપ્રાઇઝ દરોડા દરમિયાન બેરેકમાંથી 11 એન્ડ્રોઇડ-મોબાઈલ મળી આવ્યા હતા. કેદીઓને અપાતી લક્ઝુરિયસ ટ્રીટમેન્ટ અને ખુલ્લેઆમ ચાલતા વહીવટનો પર્દાફાશ થતાં સમગ્ર જેલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલે વડી કચેરીની ગુપ્ત તપાસમાં તમામ ગંભીર આરોપો સાચા સાબિત થતાં તાત્કાલિક ધોરણે 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહીને સસ્પેન્ડ કરાયા હતા.
જેલ પ્રશાસન દ્વારા ફરજમાં દાખવેલી અક્ષમ્ય બેદરકારી અને માથાભારે કેદીઓ સાથે મિલીભગત રાખવાના આરોપસર આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેલના નિયમો અને કાયદાના લીરેલીરા ઉડાવીને કેદીઓને પાન-મસાલા, સિગારેટથી માંડીને આરામદાયક સાધનો પૂરા પાડવામાં આવતા હતા. એટલું જ નહીં, કેદીઓ જેલ પરિસરમાં બિન્દાસ્ત મોબાઈલ પર વાતો કરતાં પણ ઝડપાયા હતા. અમુક ચોક્કસ 'કેશિયર કેદીઓ' સાથે સાંઠગાંઠ રચી જેલની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ કર્મચારીઓને ઘરભેગા કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા 8 કર્મચારીના નામ
રામ. એસ. લાંબડીયા, હવાલદાર, હેડ ક્વાર્ટર, ગોંડલ સબ જેલ
હેમરાજ. વી. પરમાર, હવાલદાર, હેડ ક્વાર્ટર, અમરેલી જિલ્લા જેલ
ડી. ડી. ભાભોર, સુબેદાર, હેડ ક્વાર્ટર, પોરબંદર ખાસ જેલ
વિજયપુરી. આર. બાવા (ગોસ્વામી),સુબેદાર, હેડ ક્વાર્ટર, મોરબી સબ જેલ
હેમંત. એન. ચૌધરી,સુબેદાર, હેડ ક્વાર્ટર, પાલારા ખાસ જેલ
શિવભદ્રસિંહ. જે. ગોહિલ, સિપાહી, હેડ ક્વાર્ટર, છોટા ઉદેપુર સબ જેલ
કરમણ. એસ. ભાયકન, સિપાહી, હેડ ક્વાર્ટર, ભાવનગર જિલ્લા જેલ
સંદિપ. એન. ચૌધરી,સિપાહી, હેડ ક્વાર્ટર, રાજપીપળા જિલ્લા જેલ
જેલર કે.જે. ધારગેની બદલી
કર્મચારીઓના સસ્પેન્શનની સાથે સાથે લાજપોર જેલના જેલર કે.જે. ધારગે સામે પણ બદલીના આદેશ છૂટ્યા છે. રાજ્યના જેલરોની વહીવટી બદલી અંતર્ગત સુરતના જેલર કે.જે. ધારગેને તાત્કાલિક અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બદલી દેવાયા છે. જેલની અંદર ચાલતી ગેરરીતિઓમાં સુપરવિઝનની ખામી અને બેદરકારીને ધ્યાને રાખી ઉચ્ચ કક્ષાએથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી અન્ય અધિકારીઓ અને સ્ટાફમાં પણ કડક સંદેશ પહોંચ્યો છે.
વહીવટ ચલાવતા 3 કેદીઓને પણ અન્ય જેલમાં ધકેલાયા
જેલમાં અંદરખાને વહીવટ કરતા અને સવલતો ભોગવતા ત્રણ માથાભારે કેદીઓને પણ તાત્કાલિક અસરથી રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરી દેવાયા છે. જેમાં બિપિન નટવર શર્મા (કેદી નં. 2410)ને પાલારા ખાસ જેલ, કૈલાસ જીવતરામ રાજાણી (કેદી નં. 2576)ને વડોદરા મધ્યસ્થ જેલ અને પ્રશાંત ચંદ્રકાંત રાજપૂત (કેદી નં. 98388)ને પોરબંદર ખાસ જેલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. આ કડક સપાટા બાદ જેલ પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.

