કાર્યવાહી@સુરતઃ મહાત્મા ગાંધીના ફોટો સાથે અશ્લીલ રીલ બનાવનાર યુવતી ઝડપાઇ ઝડપાઈ

ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધી જયંતીના એક દિવસ પહેલા મહાત્મા ગાંધીના ફોટો સાથેની ચલણી નોટ લઈ અશ્લીલ રીલ બનાવનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર સિમરન પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. સિમરન પટેલે ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર બતાવી અપમાનજનક શબ્દો સાથે વીડિયો બનાવ્યો'તો. જે વાઈરલ થતા એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ સુરત પોલીસે સિમરનની ધરપકડ કરી છે. સિમરન ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. ઈન્સ્ટાના બાયોમાં જ લખ્યું છે કે, બાળકો અને સંસ્કારી દૂર રહે.

સિમરન પટેલે 1 ઓક્ટોબરના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વાંધાજનક રીલ/વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ભારતીય ચલણની રૂ. 500ની નોટમાં રહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટોને બિભત્સ રીતે દર્શાવી, તેને જાતીય સંદર્ભ ધરાવતા અપમાનજનક નિવેદનો અને શારીરિક હાવભાવ સાથે જોડી લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું. જાહેર પ્લેટફોર્મ પર આ વીડિયો વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જાહેર પ્લેટફોર્મ પર રાષ્ટ્રપિતાનું અપમાન કરતો વીડિયો વાઇરલ થયા બાદ એક જાગૃત નાગરિક દ્વારા સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ-2008ની કલમ-67 મુજબ ગુનોદાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના ડેટા અને ટેકનિકલ કડીઓના આધારે પોલીસે આરોપી મહિલા સિમરન અમિત પટેલ (ઉં.વ. 47, રહે. સુરતી આઇકોન, અડાજણ, પાલનપુર ગામ, સુરત)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે શહેરીજનોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર લાઈક્સ કે ફોલોઅર્સ મેળવવા માટે કોઈપણ રાષ્ટ્રીય મહાપુરુષો, ધાર્મિક કે સામાજિક પ્રતીકો અંગે અશ્લીલ, વાંધાજનક કે અપમાનજનક પોસ્ટ બનાવવી નહીં. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.