કાર્યવાહી@સુરેન્દ્રનગર: 'કલબ 71 જીમ'માં ASPની રેડ, 100 યુવતીઓના વાંધાજનક ફોટોઝ મળ્યા

લવ જેહાદ અને બ્લેકમેઇલિંગના એક મોટા નેટવર્કનો પર્દાફાશ 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને મળેલી એક ભાવુક ચિઠ્ઠી “અમને દીકરી સમજીને તપાસ કરજો”એ સુરેન્દ્રનગરના ચર્ચિત ‘કલબ 71 જીમ’ના કાળા કારનામાનો પર્દાફાશ કરી દીધો છે. આ પત્ર મળતા જ એક્શન મોડમાં આવેલી પોલીસે પાડેલા દરોડા દરમિયાન લવ જેહાદ અને બ્લેકમેઇલિંગના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેમાં 100 યુવતીના 1300થી વધુ વાંધાજનક ફોટા-વીડિયો મળી આવ્યા છે.

આ હાઈપ્રોફાઈલ ઓપરેશનને અંજામ આપવા માટે સુરેન્દ્રનગરના ASP વેદિકા બિહાની અને તેમની ટીમે ફિલ્મી ઢબે વેશપલટો કર્યો હતો. ગ્રાહકના વેશમાં ટી-શર્ટ અને બર્મુડા પહેરીને જીમમાં પહોંચેલી પોલીસે સેકન્ડોની ગણતરીમાં જ જીમ માલિક અને શાતિર આરોપી આમીન મુલતાનીને બર્મુડામાં જ દબોચી લીધો હતો.

પત્ર મળ્યાના 15 કલાકમાં જ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જીમ માલિક આમીન યાસીન મુલતાની સામે જીમની જ ભૂતપૂર્વ રિસેપ્શનિસ્ટ યુવતીએ માનસિક ત્રાસ, પ્રેમસંબંધ બાંધવા દબાણ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. શનિવારે મોડી સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી આમીન મુલતાનીએ B.Sc IT અને વકીલાતનો અભ્યાસ કરેલો છે. કાયદા અને ટેકનોલોજીનો જાણકાર હોવાના લીધે તે અત્યંત શાતિર રીતે બ્લેકમેઇલિંગનું જાળું ચલાવતો હતો અને બ્લેકમેઇલ કરવા માટે અન્ય લોકોના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો.

આ ઉપરાંત જીમમાંથી મળી આવેલા 17 ચેક, નોટરી કરાર અને આધારકાર્ડ પરથી સામે આવ્યું છે કે તે ગેરકાયદેસર વ્યાજવટાવનો વ્યવસાય પણ કરતો હતો. અગાઉ તેની પાસે નાણા ધીરધારનું લાયસન્સ હતું કે કેમ? અને ચોપડામાં લખેલા નામો સાથે તેણે કોઈ ગુનો આચર્યો છે કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ અંગે સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ મહિલાઓની સુરક્ષાની ખાતરી આપતા જણાવ્યું કે, આમીન મુલતાનીના સંપર્કમાં મહિલા ભલે રાજીખુશીથી, દબાણથી કે લાલચથી આવી હોય, પરંતુ તેની જાણ બહાર ફોટા કે વીડિયો ઉતારવા તે કાયદાકીય રીતે મોટો ગુનો બને છે. પીડિત મહિલાઓએ કોઈથી ડરવાની જરૂર નથી. હિંમત કરીને આગળ આવો, પોલીસ તમારો સંપર્ક કરશે અને તમારી ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખશે.

પોલીસે આરોપી આમીન મુલતાનીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જીમમાંથી મળી આવેલા ચોપડાઓમાં જે-જે વ્યક્તિના નામો લખેલા છે, તે તમામ લોકોને પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરાશે. આ લોકો સાથે પણ આરોપીએ કોઈ બ્લેકમેલિંગ કે કાયદા વિરોધી કૃત્ય આચર્યું છે કે કેમ? તેની પણ ઝીણવટભરી તપાસ થશે.

સુરેન્દ્રનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રમેશ ભુતડાની અધ્યક્ષતામાં આ અત્યંત ગંભીર ઘટનાને લઈને જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, આરોપી વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ લાગુ પડતી તમામ કલમો લગાવી કડક કાર્યવાહી કરાઈ, તપાસ દરમિયાન જો અન્ય વ્યક્તિઓની સંડોવણી, સહયોગ અથવા આવા અન્ય બનાવોની માહિતી સામે આવે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ, જિલ્લામાં ચાલતા અન્ય જીમમાં જે કોઈ પણ જેહાદી વ્યક્તિ સંચાલક હોય કે ટ્રેનર તેની યોગ્ય તપાસ થાય. યુવતીઓ અને મહિલાઓને સોશિયલ મીડિયા, ફોટા-વીડિયો તથા અન્ય ડિજિટલ માધ્યમ દ્વારા બ્લેકમેલ અથવા હેરાનગતિના બનાવોથી સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવે સહિતની માંગ કરાઈ છે.