નિયમ@અમદાવાદ: મહિલા રેસિડન્ટ ડોક્ટરોની હોસ્ટેલમાં પુરુષ ડોક્ટર માટે પ્રવેશ બંધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોલકાતામાં બનેલી બળાત્કારની ઘટનાએ આખા દેશના લોકોના હૃદય કંપાવી ઉઠ્યા હતા. દેશ ભરમાં વિરોધ જોવા મળ્યો હતો. ટ્રેની ડોક્ટર સાથે બળત્કાર બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. જેના કારણે કેટલાક નિયમો બનાવામાં આવ્યા છે. મ્યુનિ. સંચાલિત 4 હોસ્પિટલમાં આવેલી મહિલા રેસિડન્ટ ડોક્ટરો માટેની હોસ્ટેલમાં પુરુષ ડોક્ટર કે કોઈપણ પુરુષના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. કોલકાતાની હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યાની ઘટનાને પગલે ડોક્ટરોએ વધુ સુરક્ષાની માગણી સાથે હડતાળ પાડી હતી. આ ઉપરાંત ડોક્ટરોએ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને વધારાના સીસીટીવીની માગણી કરવામાં આવી હતી.
ડોક્ટરોની રજૂઆત સ્વીકારી હોસ્પિટલોમાં 79 વધારાના સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવશે. અત્યાર સુધી ચારેય હોસ્પિટલમાં 438 ગાર્ડ છે. શારદાબહેન હોસ્પિટલમાં પોલીસ ટેબલ મૂકવામાં આવશે. મ્યુનિ.ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષાના કારણોસર મહિલા સિક્યુરિટી ગાર્ડની પણ સંખ્યા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત વધારાના 80થી 90 સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવશે. નવા નિયમ મુજબ કોઈ પુરુષ ડોક્ટર કે પુરુષ કર્મચારીએ મહિલા રેસિડન્ટ ડોક્ટરની હોસ્ટેલમાં જવું હોય તો વોર્ડનને સાથે રાખવા પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલોના સુપરિન્ટેન્ડન્ટ પાસે કઈ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવાની જરૂર છે તેની માહિતી માગવામાં આવી છે. દર્દીના સગાં સાથે ઘર્ષણને પગલે ડોક્ટરો પર થતાં હુમલાના કેસમાં તાજેતરમાં વધારો થયા પછી ડોક્ટરોએ ચોક્કસ પ્રકારના પગલા લેવાની માગણી કરી હતી. કોલકાતાની ઘટનાના વિરોધમાં તાજેતરમાં રેસિડન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી હતી. તેમની દલીલ હતી કે, દર્દીઓ માટે અમે દિવસ-રાત ખડેપગે કામ કરતા હોવા છતાં અમારા પર હુમલા થતા હોય છે. થોડા સમય અગાઉ એલજી હોસ્પિટલમાં એક દર્દીના સગાંએ રેસિડન્ટ ડોક્ટરનું ગળું પકડી લેતાં મામલો બિચક્યો હતો. જો કે, પોલીસમાં ફરિયાદની સમવજાટ પછી િવવાદ થાળે પડ્યો હતો. ડોક્ટરો ત્યારથી સુરક્ષા માગી રહ્યા છે.
મ્યુનિ.ના અધિકારીએ જણાવ્યું કે, રેસિડન્ટ ડોક્ટોરોએ તેમની રજૂઆત સાંભળવા માટે કમિટીની રચના કરવાની પણ માગ કરવામાં આવી હતી. તેમની માગમાં ધ્યાનમાં રાખી આગામી સમયમાં કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં રેસિડન્ટ ડોક્ટરના પ્રતિનિધિઓ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને વહીવટી અધિકારી હશે. આ કમિટીમાં ડોક્ટરોના પ્રશ્નો સાંભળવામાં આવશે અને તેના પર યોગ્ય પગલાં લેવામાં આવશે.