ઘટના@સુરત: ઘરના દાદરે જઈને બેન્ક મેનેજરે વાયર કેબલથી ગળાફાંસો ખાધો, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. આપઘાતની પહેલી ઘટનામાં સુરતમાં અડાજણના પવિત્ર રો-હાઉસના એક મકાનમાંથી ઇન્ડિયન બેંકના આસી.મેનેજરનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ બાદ અડાજણ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરી હતી. પરિવાર દ્વારા મૃતકની સાથી પરિણીત કર્મચારી અને તેના પતિ સામે શંકા વ્યક્ત કરી છે. આ સાથે જ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પણ માંગ કરવામાં આવી છે. આ સાથે જ અમને લખેલી સુસાઈડ નોટમાં પ્રેમિકાનો ઉલ્લેખ હોવાનું જણાવ્યું હતું.
મૂળ રાજસ્થાન અને સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પવિત્ર રો-હાઉસમાં 30 વર્ષીય અમન રાકેશ ભાર્ગવ એકલો રહેતો હતો. પરિવારમાં પિતા, માતા અને એક બહેન છે. અમન પરિવારનો એકનો એક દીકરો હતો. પિતા રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડેન્ટ રેલવે સ્ટેશન, માતા રાજસ્થાનમાં જિલ્લા શિક્ષણાધિકારી છે, બહેન પણ રાજસ્થાનમાં સર્વિસ કરે છે. અમન ઇન્ડિયન બેંકની વરાછા શાખામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. પરિવાર ખૂબ જ સુખી સંપન્ન છે.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઘટના લગભગ બપોરે દોઢથી બે વાગ્યાના સમયમાં બની હોવની શક્યતા છે. મૃતક અમન રાકેશ ભાર્ગવ એમના ઘરના દાદર પર કેબલના વાયર સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટના અંગે સાથી કર્મચારી મહિલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં તેનો પતિ પણ હાજર હતો. અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમન આસી. મેનેજર તરીકે વરાછા બ્રાન્ચમાં કામ કરતા હતા. મૂળ રાજસ્થાનના વતની હતા. પરિણીત સાથી કર્મચારી સાથે એકતરફી પ્રેમમાં પાગલ હતા. ગતરોજ આ સાથી કર્મચારી મહિલાને ઓફિસથી લઈ ડોક્ટરને બતાવ્યા બાદ ઘરે આવ્યા હતા. ત્યારબાદ અચાનક પહેલા માળે જઇ આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં બે નાના પાનાની સુસાઇડ નોટ પણ મળી છે. પ્રેમિકા અંગેનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.
અમનનાં પરિવારજનો દ્વારા આ સુસાઇડની ઘટનામાં શંકા વ્યક્ત કરવામાં આવી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમને જ્યારે આ પગલું ભર્યું ત્યારે તેની સાથી કર્મચારી હાજર હતી. આસપાસ અને અન્ય લોકોને જાણ કરવા પહેલાં તેણે તેના પતિને જાણ કરી હતી. બેંકમાં જાણ કરવામાં આવતા ત્યાં પહોંચેલા લોકોને આ સાથી કર્મચારી અને તેનો પતિ પણ ત્યાં હાજર મળ્યો હતો. અનેક શંકા-કુશંકા છે પણ પોલીસ અમને ન્યાય અપાવે તેવી માંગ છે.
અડાજણ પી.આઈ પી.જે.સોલંકીએ જણાવ્યું હતું કે, ગતરોજ સવારથી જ અમન અને સાથી કર્મચારી મહિલા સાથે જ હતાં. અમનની હાથની આંગળીમાં ઇજા થઈ હોવાથી બંને સાથે જ એક હોસ્પિટલ ગયાં હતાં. ત્યાંથી ઘર નજીકમાં હોવાથી નાસ્તો કરવા માટે ઘરે આવ્યાં હતાં. દરમિયાન બંને ઘરે સાથે હતાં ત્યારે જ અમન એકદમ દોડીને પહેલા માળે દાદર પર ગયો હતો. જ્યાં ટીવી કેબલ આપઘાત કરવા માટે તૈયાર જ રાખ્યો હોય તે રીતે લટકાવેલો હતો અને કેબલના વાયર સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. હાલ તો આપઘાત જ કર્યો હોય તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ પરિવારના આક્ષેપો પ્રમાણે પણ ફોરેન્સિક પીએમ બાદ વધુ કાર્યવાહી કરાશે.