અગ્નિકાંડ@રાજકોટ: લોકોને ઉપરથી કૂદતા જોઈને ચા વાળો તેમને બચાવવા દોડ્યો
ચાવાળાએ વર્ણવી રાજકોટ અગ્નિકાંડની ભયાનકતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રાજકોટથી હદય કંપાવી ઉઠે એવો આગનો ભયાનક બનાવ સામે આવ્યો છે. જેમાં 28 લોકોના મોત નીપજ્યા છે. મહેશ ભરવાડ આ ગેમ ઝોન અને તેની આસપાસના વિસ્તારોમાં ચા આપવા રેગ્યુલર આવે છે. જ્યારે આગ લાગી ત્યારે તે ગેમ ઝોનમાં ચા આપીને બહાર આવ્યા હતા. પહેલા નાની એવી લાગતી આગ કેવી રીતે અત્યંત વિકરાળ બની ગઇ અને 28 લોકોને ભરખી ગઇ તે મહેશ ભરવાડે જોયું. પોતાનો જીવ બચાવવા બીજા માળેથી નીચે કૂદતા લાચાર લોકોને મહેશ ભરવાડ અને તેના જેવા 3-4 લોકોએ ભેગા થઇને કેવી રીતે બચાવ્યા તેની તમામ વિગતો અને જણાવી. તેમણે દિવ્ય ભાસ્કરને જે કહ્યું તે અક્ષરસઃ નીચે પ્રમાણે છે.
મહેશ ભરવાડ કહે છે કે, હું અહીં ચા આપવા આવતો હોઉં છું. જ્યારે આ ઘટના બની ત્યારે સાંજના 5:30 વાગ્યા હતા અને હું ચા આપવા માટે આવ્યો હતો. ચા આપીને હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે મેં જોયું કે આગ લાગેલી હતી અને પહેલા ઓછો ધૂમાડો નીકળતો હતો એટલે હું ફટાફટ બાઇક મૂકીને પાછો અંદર ગયો. જ્યારે હું પાછો અંદર પહોંચ્યો ત્યારે થોડી જ આગ હતી. બધી બાજુ અફરાતફરી હતી. પાંચેક મિનિટમાં જ આગે અત્યંત વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. થોડીવાર પછી અમે બધાને બહાર કાઢ્યા.
મહેશ ભરવાડ વધુમાં જણાવે છે કે, બીજા માળે જ્યાં આગ લાગી હતી ત્યાંથી 2-3 વ્યક્તિ બહાર આવવાની કોશિષ કરતી હતી પણ આગ એટલી તેજ થઇ ગઇ હતી કે એ લોકો પાસે કૂદવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહતો. પહેલા તો રેસ્ક્યૂ માટે અમે 2-4 જણા જ હતા. અમે 2-4 જણાએ ભેગા થઇને નીચે ઊભા રહ્યા. એ લોકો એક પછી એક ઉપરથી નીચે કૂદ્યા. એમાં બે લોકો તો ગેમઝોનના સ્ટાફના જ હતા અને એક વ્યક્તિ કદાચ કસ્ટમર હશે. આમાંથી જે વ્યક્તિ પહેલી કૂદી તેને અમે નીચે ઊભા રહીને પકડી. નીચે પડતાં તેને હાથપગમાં થોડું વાગ્યું હતું. એ પછી બીજી વ્યક્તિ કૂદી તેને પણ અમે પકડી. એ પછી ત્રીજી વ્યક્તિ કૂદી પણ એ વજનમાં ભારે હતી એટલે અમે એને પકડવાની કોશિષ તો કરી પણ તેમ છતાં તેનું માથું નીચે પથ્થરમાં ભટકાયું. જેના કારણે તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું. જેના પછી એ વ્યક્તિને કોઇ કારચાલકની મદદ લઇને હોસ્પિટલ મોકલી.
તેમણે કહ્યું કે, આગ લાગી ત્યારે સબ સ્ટેશનમાં પણ શોર્ટ સર્કિટ થતું હતું. એટલે અમે એક્ઝિટ ગેટ પરથી જઇને લાઇટ બંધ કરી દીધી. પછી પણ અમે લોકોને બચાવવાની કોશિષ કરી પણ આગ એટલી તેજ થઇ ચૂકી હતી કે અમારે નાછૂટકે સાઇડમાં જતું રહેવું પડ્યું.
ગોંડલથી પૃથ્વીરાજસિંહ ઝાલા, સત્યપાલસિંહ જાડેજા અને શત્રુધ્નસિંહ ચુડાસમા એમ ત્રણ મિત્રો ગેમ રમવા માટે રાજકોટ આવ્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે પૃથ્વીરાજસિંહ અને તેના બન્ને મિત્રો ગેમ ઝોનમાં બીજા માળે ગેમ રમતા હતા. આગકાંડમાં પૃથ્વીરાજસિંહ ઝાલાનો તો બચાવ થયો પણ તેના બન્ને મિત્રો સત્યપાલસિંહ અને શત્રુઘ્નસિંહ લાપતા છે. પૃથ્વીરાજસિંહે જે જણાવ્યું તે ઘણું ચોંકાવનારૂં હતું. તેણે કહ્યું કે પોતે અને બીજા પાંચેક લોકોએ બીજા માળેથી નીચે કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હતો.
તેમણે કહ્યું કે, હું અને મારા 2 મિત્રો સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા એમ કૂલ 3 લોકો ગોંડલથી આવ્યા હતા. અમે લોકો બોલિંગ કરતા હતા ત્યારે નીચેથી આગ લાગી હતી. એ સમયે ગેમ ઝોનના સ્ટાફના બે લોકો આવ્યા અને અમને કહ્યું કે આ તરફ એક્ઝિટ ગેટ છે ત્યાંથી તમે ભાગો, નીચે આગ લાગી છે. આટલું કહીને તે અને તેનો આખો સ્ટાફ ભાગી ગયો હતો. અમે જોયું તો ઉપરની તરફ એકલા ધૂમાડા જ ધૂમાડા હતા. અમે પાછળથી ભાગવાની ટ્રાય કરી પણ ભાગી ન શક્યા કારણ કે ત્યાં ટ્રાફિક બહુ થઇ ગયો હતો.
પૃથ્વીરાજસિંહ વધુમાં કહે છે કે, એકતરફથી પ્રકાશ આવતો હતો એટલે મેં ત્યાં જોયું તો ત્યાં પતરૂં હતું. મેં એ પતરામાં પાટું માર્યું અને ત્યાંથી અમે 5 જણા બીજા માળેથી નીચેની તરફ કૂદકો મારી ગયા. મારા બન્ને મિત્રો હજુ મળ્યા નથી. બીજા માળે કૂલ 70-80 જણા હતા. નીચે વેલ્ડિંગનું કામ ચાલતું હતું અને ગેસના 2 બાટલા ફાટ્યા હતા પછી એમાંથી આગ લાગી. ગેમ ઝોનના સ્ટાફે કોઇને બચાવવાની કોશિષ જ નથી કરી, બધા ભાગી ગયા હતા. નાની ઉંમરના 20-25 બાળકો હતા. તેમાંથી 10 જેટલા બાળકોને ઉપરથી એક ભાઇને નીચે ઘા કર્યા હતા. નીચે અમે લોકો બચાવવા ઊભા હતા. આગથી બચવા માટે ગેમ ઝોનમાં કોઇ વ્યવસ્થા નહતી. ફાયર બ્રિગેડે આવીને આગ બુજાવવાનું કામ કર્યું હતું.
જે લોકો ગેમ રમવા અહીં આવતા તેની પાસે પહેલા એક ફોર્મ ભરાવવામાં આવતું હતું. આ ફોર્મમાં સહી કરતાની સાથે જ ગેમ રમવા આવનારા લોકો અનેક પ્રકારના બંધનમાં આવી જતા હતા. જવાબદારીમાંથી મુક્તિ, દાવાઓની માફી વગેરે જેવી બાબતોનો આ ફોર્મમાં ઉલ્લેખ હતો. આ ફોર્મમાં સ્પષ્ટ લખાયેલું હતું કે હું મૃત્યુ કે ઇજા સહિતના તમામ જોખમનો સારી રીતે જાણું છું અને તેની નીચે ગેમ રમવા આવનારા લોકોની સહી લેવાતી હતી.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, JCP વિધિ ચૌધરી તપાસ કરશે. ગેમિંગ ઝોનમાં નવેમ્બર 2023માં રૂટિન લાયસન્સ આપવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી લાયસન્સ રિન્યૂ કરી આપવામાં આવ્યું હતું. અધિકારીઓના નિવેદનો અને તપાસ SITની ટીમ કરશે. કાગળો રજૂ કર્યા છે તેમાં ફાયર સેફ્ટીના બિલો રજૂ કર્યા હતા. જે પાર્ટનરશીપ ડિડ હતું, તેના આધારે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ પોલીસે ગેમ ઝોન માટે મંજૂરી આપી હતી.
પોલીસના દાવા પ્રમાણે આ આગકાંડમાં 40 જેટલા લોકોને બચાવાયા છે. આ કેસમાં પોલીસે ગેમ ઝોનના માલિક-સંચાલકો ધવલ ભરતભાઇ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઇ રાઠોડ સામે ગુનો નોંધ્યો છે.
TRP ગેમ ઝોનને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. 5 જેટલા બૂલડોઝર દ્વારા કાટમાળ હટાવવામાં આવ્યો છે. પતરા સહિતના કાટમાળને હવે ડમ્પ કરવામાં આવશે. ગેમ ઝોનની જગ્યા સંપૂર્ણ મેદાનમાં ફેરવાઈ ગઈ છે.