ચોંક્યા@ફતેપુરા: મનરેગા કૌભાંડનો રિપોર્ટ જોઇ મંત્રીએ કહ્યું, હવે દાહોદ ડીડીઓ તપાસ કરે, આરોપીઓ ક્યાં સુધી બચશે?

દાહોદ જિલ્લા પંચાયતનો તપાસ રિપોર્ટ થવો જોઇએ.
 
ચોંક્યા@ફતેપુરા: મનરેગા કૌભાંડનો રિપોર્ટ જોઇ મંત્રીએ કહ્યું, હવે દાહોદ ડીડીઓ તપાસ કરે, આરોપીઓ ક્યાં સુધી બચશે?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


ફતેપુરા તાલુકામાં મનરેગાના કટકી કાંડ અને ચિઠ્ઠી કાંડની તપાસ ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીએ કરીને દૂધ જેવો સફેદ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ પછી નિર્ણય અર્થે યા તો આગળની પ્રક્રિયા માટે તપાસ રિપોર્ટ મંત્રી પાસે ગયો હતો. જોકે મંત્રીએ કાર્યવાહીનો ઓર્ડર નહિ કરીને દાહોદ જિલ્લા પંચાયતને એકવાર તપાસ કરવા કહ્યું હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં મનરેગાના કૌભાંડી બળિયાઓને બચાવ માટે અવસર મળ્યાનો ઘાટ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર મામલો દાહોદ ડીડીઓ પાસે આવ્યો છે ત્યારે ઘરના જિલ્લામાં શું સીઆરડી જેવી પારદર્શક તપાસ થશે? તે સૌથી મોટો સવાલ બન્યો છે. કેવી રીતે અને કેમ કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી વિલંબમાં જઈ રહી તેનો સ્પેશિયલ રિપોર્ટ....


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં બહુ ચર્ચિત મનરેગા કૌભાંડની તપાસ ગાંધીનગરની ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીએ કરી લીધી હતી. આ પછી બળિયા કૌભાંડીઓ વિરુદ્ધ મોટો નિર્ણય થવાની ઘડી આવી હતી. જોકે એવું બન્યું કે, જેની કલ્પના પણ મુશ્કેલ હતી‌. ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીએ ફતેપુરા મનરેગા કાંડનો તપાસ રિપોર્ટ ગ્રામ વિકાસ મંત્રીજીને આપી દીધો. હવે મંત્રીજીને વળી કોણે કહ્યું હશે અથવા તો કેવા સંજોગોમાં મંત્રીજીએ મામલો દાહોદ જિલ્લા પંચાયતને આપી દીધો તે ચોંકાવનારુ બન્યું છે. મંત્રીજીએ ફતેપુરા મનરેગા કૌભાંડની તપાસ ગાંધીનગર સીઆરડી બાદ હવે દાહોદ જિલ્લા પંચાયતને કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં ફતેપુરા તાલુકાના મનરેગા કાંડના બળિયા શું ખૂબ મોટી પહોંચ ધરાવે છે ? શું સ્થાનિક મટીરીયલ એજન્સીએ છેક ગાંધીનગર પહોંચ લગાવી હશે ? આ સવાલો કૌભાંડીઓ વિરુદ્ધ લડતાં સ્થાનિક જાગૃત નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નીચેના ફકરામાં વાંચો હવે કૌભાંડીઓ ક્યાં સુધી બચશે..


સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીના તપાસ રિપોર્ટ ઉપર આમ તો કાર્યવાહીનો નિર્ણય થવાનો હતો. જોકે અચાનક મંત્રીએ આદેશ કર્યો કે, હવે દાહોદ જિલ્લા પંચાયતનો તપાસ રિપોર્ટ થવો જોઇએ. આથી છેલ્લા એક અઠવાડીયાથી ફતેપુરા મનરેગા કૌભાંડની તપાસ દાહોદ ડીડીઓ સમક્ષ આવી પડી છે. હવે દાહોદ ડીડીઓ તપાસ કરાવીને જે રીપોર્ટ આપશે તેના આધારે કાર્યવાહીનો નિર્ણય પણ ગાંધીનગર લઈ જવા કૌભાંડી બળિયાઓ તાકાત લગાવી શકે છે. આટલું જ નહિ, કૌભાંડી ટોળકીને ડર પણ છે કે, જો ગાંધીનગરની તપાસ સામે દાહોદ જિલ્લા પંચાયતની તપાસ સરખી આવશે તો ? જાણકારોના મતે, ગાંધીનગરની તપાસ પારદર્શક છે એટલે દાહોદ જિલ્લા પંચાયતની તપાસ પણ એ મુજબ આવી શકે છે. આવી સ્થિતિમાં કેટલાક દિવસો ભલે બળિયા ટોળકીને રાહત મળી પરંતુ કાર્યવાહીની લટકાવી તલવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.