ઘટના@ગોધરા: કનેલાવ તળાવમાંથી 18 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો, મોતનું કારણ અકબંધ

ચકચાર મચી જવા પામી હતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ગોધરા શહેરના કનેલાવ તળાવમાંથી એક 18 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક બે દિવસ અગાઉ ઘરેથી ગોધરા બસ સ્ટેન્ડ પરથી સુરત ગામે મજૂરી કામ કરવા માટે જવાનું કહી નીકળ્યો હતો. ત્યારે આજરોજ ગોધરાના કનેલાવ તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ગોધરા તાલુકાના મીરાપુરા ગામે રહેતા મહેશ બારીયા નામનો યુવાન બે દિવસ અગાઉ પોતાના ઘરેથી સુરત શહેરમાં મજૂરી કામ કરવા માટે જઈ રહ્યો છે તેમ કહી ગોધરા બસ સ્ટેન્ડ ઉપર ગયા હતા. ત્યારે બે દિવસથી યુવક સંપર્ક વિહોણો બનતા પરિજનોએ શોધખોળ આદરી હતી. જેને પગલે આજરોજ બપોરના સુમારે એકાએક મહેશ બારીયાનો મૃતદેહ કનેલાવ તળાવમાં મળી આવતા પરિવારના સભ્યોમાં મોતનું માતમ છવાઇ ગયું હતું. પરિવારના સભ્યોએ જાતે કનેલાવ તળાવમાં દોરડાની મદદથી મહેશ બારીયાના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોતાના ઘરે લઈ ગયા હતા. આખરે યુવાનનું મોત ક્યાં કારણોસર થયું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.