ઘટના@અમદાવાદ: મહિલા પોલીસના આપઘાત બાદ પ્રેમીએ હોટલમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ 
 
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં  આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને જગ્યાએથી  આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે.  પાલડી પોલીસ મથકમાં ફરજ બજાવતી લલીતાબેન પરમારની આત્મહત્યા માટે જવાબદાર તેના જ ગામમાં રહેતા જસંવત ઉર્ફે જસુ રાઠોડ નામના પ્રેમીએ પાલડીમાં આવેલી એક હોટલમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. મૃતક લલીતાબેન પરમારના રૂમમાંથી મળી આવેલી સ્યૂસાઇડ નોટને આધારે વાસણા પોલીસે હજુ ગત તા.4ના રોજ જસવંત રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો.

જે બાદ જસવંત તેના ગામથી ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વાસણા ખોડિયારનગરમાં ભાડેના મકાનમાં રહેતી લલીતાબેન પરમાર પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ગત તા.29મી ફેબ્રુઆરીના રોજ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે બાબતે પોલીસે તપાસ કરતા લલીતાબેનના ઘરમાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સોલડી ગામે રહેતા જસવંત રાઠોડના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી વાસણા પોલીસે જસવંત રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. જે બાદ જસવંત તેના ગામથી ફરાર થઇ ગયો હતો. તેવામાં પાલડીમાં આવેલી સરગમ હોટલમાં રૂમ. નં. 114માં ગત તા.3 માર્ચની સાંજથી એક વ્યક્તિ રોકાયો હતો. જેણે મંગળવારે દરવાજો ન ખોલતા હોટલના સ્ટાફને શંકા ઉપજી હતી. જેના આધારે એલિસબ્રિજ પોલીસને સાથે રાખીને ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલીને તપાસ કરતા તેમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતદેહ જસવંત ઉર્ફે જસુ રાઠોડનો હોવાનું જાણવા મળ્યું હતું. જે મામલે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં જસવંતની ઉમર 47 વર્ષ હતી અને તે પરિણીત હોવાનું જાણવા મળ્યું છે. તે તા.3ના રોજ સાંજે હોટલમાં આવ્યો હતો અને બાદમાં બહાર નીકળ્યો ન હતો. મંગળવાર સુધી તેની ચહલ પહલ ન રહેતા સ્ટાફે તપાસ કરતા ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. મૃતક સામે તા.4ના રોજ વાસણામાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા આત્મહત્યા અંગે વાસણા પોલીસને પણ જાણ કરીને તપાસ શરૂ કરાઈ છે.