અગ્નિકાંડ@રાજકોટ: PSIએ ગેમ ઝોનના માલિક સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ

આરોપીઓને 10 વર્ષથી આજીવન કારાવાસની સજા થઈ શકે
 
અગ્નિકાંડ@રાજકોટ: PSIએ ગેમ ઝોનના માલિક સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાંજ રાજકોટથી હૃદય કંપાવી ઉઠે એવી ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 28 લોકોના મોત નીપજ્યા છે.  રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગથી 28 લોકો ભડથું થઈ ગયા છે. ત્યારે આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પ્રજ્ઞેશ બી. ત્રાજીયાએ ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત 6 શખસ અને તપાસમાં ખૂલે એ શખસો સામે ફરિયાદ દાખલ કરી છે. આ આરોપીઓ સામે પોલીસે IPC કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બધી કલમો જોતા આરોપીઓને 10 વર્ષથી આજીવન કારાવાસની સજા થઈ શકે છે.

હું પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયારાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) તરીકે ફરજ બજાવું છું.મારી ફરીયાદ હકિકત એવી છે કે, અમે પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય દરમિયાન 5.47 વાગ્યે પોલીસ સ્ટેશનની પીસીઆર, 22ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જામભાએ અમોને ટેલિફોનિક જાણ કરી હતી કે, સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં 25/05/2024ના આશરે 5 વાગ્યાના અરસામાં આગ લાગેલ હોવાની જાણ કરતા બનાવવાળી જગ્યાએ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ, મહીપાલસિંહ, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ નિકુંજભાઈ મારવિયા વગેર સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યા સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમ ઝોન પર પહોંચી ગયેલા હતા. અત્રે આગને કાબૂમાં લેવા ફાયરની ગાડીઓ કાર્યરત હતી અને પોલીસ દ્વારા ભીડ નિયંત્રણ અને ટ્રાફિક નિયંત્રણની કાર્યવાહી ચાલુ હતી. સાથે સાથે વધુ માણસોની જરૂરિયાત જણાતા ઉપરી અધિકારી તથા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

આગવાળી જગ્યાએ જોતા જે.એસ. પાર્ટી પ્લોટ તથા આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુક્તપણે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટ ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડે ભાગીદારી સાથે મળી ટીઆરપી ગેમ ઝોન તરીકે ઉપયોગ લઈ ઇન્ડોર આઉટડોર ગેમ ઝોનની પ્રવૃત્તિ ચલાવે છે. જેમાં ઇન્ડોર ગેમ ઝોનના વિભાગ બેથી ત્રણ માળ જેટલું ઉંચુ તથા આશરે 20 મીટર લાંબુ તથા આશરે 50 મીટર પહોળું ફેબ્રિકેશનના સ્ટ્રક્ચર પર ચારેબાજુ પતરાથી કવર કરી બનાવવામાં આવેલ છે. જેના બહારનું ખુલ્લા ભાગે ગોકાર્ટીગ વગેરે અર્થેનુ મેદાન બનાવી જરૂરી સાધનો સાથે સમગ્ર જગ્યાને ટી.આર.પી. ગેમ ઝોન તરીકે ઉપયોગ લેવામાં આવે છે.


આ ગેમ ઝોનનું 10 મીટર લાંબુ તથા આશરે 50 મીટર પહોળું ફેબ્રિકેશનનુ આખું સ્ટ્રક્ચર આગની લપેટમાં આવેલ હોય આ દરમિયાન ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાની કાર્યવાહી કરવામાં આવતી હતી અને જે ભાગમાં આગ કાબૂમાં આવી હતી તે જગ્યાએથી પ્રવેશ કરી ફાયર વિભાગના માણસો આગથી ભળેલા માનવ શરીરો બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્રારા સિવિલ હોસ્પિટલ ખાતે સત્વરે મોકલી આપવામાં આવેલ હતા. દરમિયાન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એ.ડી. નંબર- 43/24ની આગળની તપાસ અમે કરી હતી.

મૃત્યુ પામેલા

 1. અજાણ્યો પુરૂષ (ઉં.વ. પુખ્ત)
 2. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે પુખ્ત)
 3. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. પુખ્ત)
 4. એક અજાણી સ્ત્રી (ઉં.વ. પુખ્ત)
 5. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે 17થી 25)
 6. એક અજાણ્યો પુરૂષ
 7. એક અજાણી સ્ત્રી (ઉં.વ. પુખ્ત)
 8. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે પુખ્ત)
 9. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે 11)
 10. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે સગીર)
 11. એક અજાણ્યો મનુષ્ય સ્ત્રી કે પુરુષ છે તે જાણી શકાયુ નહીં તેવો મૃતદેહ (ઉં.વ. આશરે પુખ્ત)
 12. એક અજાણ્યા મનુષ્યનો મૃતદેહ જે સ્ત્રી કે પુરુષ છે તે જાણી શકાયું નથી (ઉં.વ. જાણી શકાયું નથી)
 13. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે પુખ્ત)
 14. એક અજાણ્યો મૃતદેહ સ્ત્રી કે પુરુષ છે તે જાણી શકાયું નહીં તેવો મૃતદેહ (ઉં.વ. આશરે પુખ્ત)
 15. એક અજાણી સ્ત્રી (ઉં.વ. પુખ્ત)
 16. એક અજાણી સ્ત્રી (ઉં.વ. પુખ્ત)
 17. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે પુખ્ત)
 18. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે સગીર)
 19. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે પુખ્ત)
 20. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે પુખ્ત)
 21. એક અજાણી સ્ત્રી (ઉં.વ. આશરે પુખ્ત)
 22. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે પુખ્ત)
 23. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે 17)
 24. એક અજાણી સ્ત્રી (ઉં.વ. આશરે પુખ્ત)
 25. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે 17થી 25)
 26. એક અજણ્યો પુરૂષ (ઉં.વ. આશરે પુખ્ત)
 27. એક અજાણ્યો પુરૂષ (ઉં.વ. આશરે પુખ્ત)
 28. માનવ શરીરના અંગો.


તમામના મરણોતર ફોર્મ તથા ઈન્કવેસ્ટની કામગીરી દરમિયાન જણાય આવેલ કે, આ તમામ ક્રમ નંબર 1થી 28ના મૃત્યુ આગથી સળગી જવાના કારણે થયેલ છે. જે બાબતે પીએમની કાર્યવાહી અર્થે જરૂરી યાદી ડોક્ટરને યાદી પાઠવવામાં આવેલ. દરમિયાન ગિરીરાજ હોસ્પિટલના ડોક્ટરની એમ.એલ.સી. નોંધ લખાવ્યા મુજબ (1) પુમીતભાઈ કુંજડિયા (ઉં.વ. 10) (2) મનિષભાઈ ખીમસુરિયા (ઉં.વ 21) (3) જીજ્ઞાબા જાડેજા (ઉં વ. 41) વાળા પણ ઉપરોક્ત બનાવના ભોગ બનનાર હોય અને સાદીથી લઈ ગંભીર ઈજા પામતા સારવાર હેઠળ છે.


આ બનાવ અંગે આગ ઓલવવાની કામગીરીમાં રોકાયેલ ફાયર અધિકારી ભીખાભાઈ જીવાભાઈનું નિવેદન લેતા જણાવેલ કે, આ ટી.આર.પી. ગેમ ઝોન સંપૂર્ણ ફેબ્રિકેશનના સ્ટ્રક્ચર પર બનેલ જણાય છે. જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો તથા ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરી બનાવેલ છે. જેમાં અંદર અલગ અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવેલા હતા. જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વાયરિંગ તેમજ એ.સી.ના વેન્ટ લાગેલ હતા. જો આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળી રોકી શકાય, તેમજ મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ ખાસ અસરકારક ફાયર સાધનો જણાય આવેલ ન હતા. ઉપરાંત મારી જાણકારી મુજબ ટી.આર.પી. ગેમ ઝોન દ્વારા ક્યારેય ફાયર એન.ઓ.સી. ફાયર વિભાગમાં અરજી ઇન્વર્ડ કરેલ નથી કે ફાયર એન.ઓ.સી. મેળવેલ નથી. જેથી કોઈપણ પ્રકારની આગની ઘટનાને કાબૂમાં લેવા માટેની સાધન સામગ્રીની વ્યવસ્થા ગેમ ઝોનના સંચાલકોએ રાખેલ ન હોવાનું પ્રાથમિક રીતે જણાય આવેલ છે.


છએય ભાગીદારોએ આ ટી.આર.પી. ગેમ ઝોન ખાતે કોઈપણ આગજનીને પહોંચી વળવાના પર્યાપ્ત સાધનો કે અગ્નિ સમન વિભાગની જરૂરી મંજૂરી કે એન.ઓ.સી. મેળવ્યા વગર માનવ જીવન જોખમાય અને આગનો બનાવ બન્યે મનુષ્યના જીવ જાય તેવી જાણકારી હોવા છતા આ ગેમ ઝોનને બનાવી જોખમી રીતે ચાલુ રાખવાને લીધે આ બનાવ બન્યાનું જણાય આવે છે.