અકસ્માત@અમદાવાદ: માલેતુજાર તથ્ય પટેલ 3 દિવસના રિમાન્ડ ઉપર, તેના પિતાને જેલમાં ધકેલાયા

 આ એક રેર ઓફ ધી રેર એક્સિડન્ટનો કેસ છે.
 
અકસ્માત@અમદાવાદ: માલેતુજાર તથ્ય પટેલ 3 દિવસના રિમાન્ડ ઉપર, તેના પિતાને જેલમાં ધકેલાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દુનિયામાં કેટલીય અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.અમદાવાદમાં થયેલી ભયાનક દુર્ઘટનાના આરોપી  તથ્ય પટેલ 3 દિવસના રિમાન્ડ ઉપર, તેના પિતાને જેલમાં ધકેલાયા.આ દુર્ઘટનામાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.ઇસ્કોન બ્રિજના ગોઝારા અકસ્માતમાં નવ નિર્દોષ લોકોને ભરખી જનારા તથ્ય પ્રજ્ઞેશ પટેલના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સંપવાનો આદેશ કર્યો છે. જ્યારે આરોપી તથ્યના પિતા અને દુષ્કર્મના આરોપી એવા પ્રજ્ઞેશ પટેલના પોલીસે રિમાન્ડ ન માગતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટે આદેશ કર્યો છે.ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. સિવિલ જજ ડી.એમ.બાવીશીએ પોલીસની રિમાન્ડ અરજીની સુનાવણી બાદ રિમાન્ડ મંજૂર કર્યા હતા.અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનારા ઇસ્કોન બ્રિજ અકસ્માતના ખલનાયક નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પોલીસ જાપ્તા સાથે શુક્રવારે સાંજે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. રિમાન્ડ અરજીમાં જણાવાયું હતું કે, આરોપી તથ્ય પટેલે બુધવારે મધરાતે ૧૯૦ કિ.મી.ની ઝડપે જગુઆર કાર ચલાવી બ્રિજ પર ઉભેલા લોકોને અડફેટે લઈને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત નિપજ્યાં છે અને વીસથી વધુ લોકોને ઇજા થઇ છે. આ એક રેર ઓફ ધી રેર એક્સિડન્ટનો કેસ છે. આરોપીઓ કેસની તપાસમાં સાથ-સહકાર આપી રહ્યા નથી તેથી સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ જરૂરી હોવાથી આરોપીના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરવા જોઇએ. સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે, ગાડીના માલિકે ગાડી આરોપીને શા માટે આપી તે ઉપરાંત અંદર કોણ બેઠું હતું? આરોપી ક્યાં ગયો હતો તે પણ પૂછવું જરૂરી છે. તેનો અને તેના મિત્રોના મોબાઈલ મળ્યા નથી. આરોપીના માતા-પિતાએ પોલીસને જાણ કરવી જોઈતી હતી, તેના બદલે તેઓ દીકરાને ઘટનાસ્થળેથી બારોબાર લઇ ગયા હતા, પરંતુ આરોપીના પિતા ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા નહોતા. બચાવ પક્ષની દલીલ કોર્ટને ગેરમાર્ગે દોરવા સમાન ગણાવતા તેમણે કહ્યું કે, આરોપી તથ્ય પટેલને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ જ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પાંચ કલાક પૂછપરછ કરાઈ છે. આરોપીના પિતાએ ઘટનાસ્થળે લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તથ્ય અને તેના પિતાને કોર્ટમાં રજૂ કરતી વખતે લોખંડી બંદોબસ્ત

નવ નવ નિર્દોષો માટે યમદૂત એવા તથ્ય પટેલ અને તેના બાપ પ્રજ્ઞેશ પટેલને મીરઝાપુર સ્થિત ગ્રામ્ય કોર્ટમાં સદ્યન પોલીસ જાપ્તા સાથે રજૂ કરવામાં આવ્યા હતા. નવ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા પહેલા નવ માળ સુધી પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વકીલો સહિતનાને લીફટની જગ્યાએ આઠ માળ દાદરા ચઢવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, કોર્ટ સંકુલ અને બહારના ભાગે ટ્રાફિક જામ થઈ ગયો હતો. કોર્ટરૂમમાં એટલો બફારો થતો હતો કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાર એસો.ના પ્રમુખ રાજેશ પારેખે બહાર નીકળવા વિનંતી કરી હતી.

કયા કારણોની તપાસ માટે રિમાન્ડની માગણી

# આરોપી તથ્ય અકસ્માત સર્જીને સીમ્સ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો અને બાદમાં તેને પોતે ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોવાનો અહેસાસ થતાં સોલા સિવિલ હોસ્પિટલમાં માથું દુ:ખવાના અને ચક્કર આવવાના બહાના કાઢી સમય બગાડ્યો હતો અને તેથી કેસની તપાસમાં ખૂબ ઓછો સમય મળ્યો છે.

# આરોપી જગુઆર કાર લઇને નીકળ્યા બાદ કયા કયા મિત્રોને મળ્યો અને તેની સાથે કારમાં કયા કયા મિત્રો સવાર હતા અને મિત્રો સાથે કયા કાફે, રેસ્ટોરન્ટ કે પાર્લરોની મુલાકાત લીધી તે બાબતે સંતોષકારક જવાબ આપતો ન હોઇ સાચી માહિતી કઢાવવાની છે.

# આરોપી કારની સ્પીડ કેટલી હતી તે સાચું જણાવતો નથી, તેથી આરોપીને સાથે રાખી બનાવ વખતે ખરેખર કારની સ્પીડ કેટલી હતી તે FSLની મદદથી જાણવાનું છે. સાથોસાથ નાઇટ વિઝન બાબતે રિકન્સ્ટ્રકશન કરી તપાસ કરવાની છે.

# આરોપી તથ્ય પટેલે પોતાના મોબાઇલમાંથી કોને કોને ફોન કર્યા અને કોની સાથે વોટ્સએપ ચેટ કરી તેની સાચી માહિતી મેળવવાની છે.

# આરોપીએ અગાઉ અકસ્માતના ગુના કર્યા છે કે નહીં અને તેમાં ધાકધમકી કે પૈસાના જોરે આવા ગુનાઓમાં બારોબાર સમાધાન કર્યું છે કે કેમ તેની તપાસ કરવાની છે

# તથ્ય પટેલે અગાઉ યુટ્યુબ અને અન્ય વીડિયો-રિલ્સ તૈયાર કરી ભયજનક રીતે સ્ટંટ કરી ઓવરસ્પીડમાં વાહનો ચલાવ્યા હોવાથી તેની તપાસ કરવાની છે

# આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલી જગુઆર કારના માલિક અંગે તપાસ અને દસ્તાવેજોની તપાસ કરવાની છે

# આરોપીએ અકસ્માત સર્જ્યા બાદ મદદમાં આવેલા લોકોને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અને આરોપી તથ્ય પટેલે ગાળો બોલી ધમકીઓ આપી છે તેની સાચી માહિતી મેળવવા આરોપીની હાજરીની જરૂર છે

# આરોપી તથ્ય પટેલે તેના મિત્રો સાથે ડ્રગ્સ કે કેફી પીણું પીધું હતું કે કેમ તે બાબતે તેની અને તેના મિત્રોની તપાસ કરવાની છે.

# અકસ્માત બાદ આરોપી કોના કોના સંપર્કમાં હતો અનેશું પ્લાનિંગ હતું, તે સહિતના મુદ્દે તલસ્પર્શી તપાસ માટે આરોપીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ આપવા વિનંતી છે.