અદ્ભુત@ખેડા: ખેડૂતે કરી કમાલ:વેલા પર લટકાવ્યા બટાકા, અનોખો પ્રયોગ સફળ

ચાર છોડમાંથી 45-50 જેટલા બટાકા ઉગ્યા છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ખેડા તાલુકાના સમાદ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત ચેતનભાઈ જોશીએ ખેતીમાં એવો અનોખો પ્રયોગ કર્યો છે કે જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. સામાન્ય રીતે બટાકા જમીનની અંદર ઊગે છે, પણ અહીં બટાકા જમીનમાં નહીં, વેલા પર લટકતા જોવા મળી રહ્યા છે.

ચેતનભાઈએ પોતાના ધરોહર ફાર્મ ખાતે પ્રાયોગિક ધોરણે જૈન બટાકાના 4 રોપાનું વાવેતર કર્યું હતું. લગભગ 3 મહિના પહેલા કરેલા આ વાવેતરમાંથી 3 રોપા પર અંદાજે 50 જેટલા બટાકા વેલા પર લટકી રહ્યા છે.

*શું છે જૈન બટાકા?*

આ એવા બટાકા છે જેને જૈન સમાજના લોકો પણ ખાઈ શકે છે. તેનો સ્વાદ અને શાક અસ્સલ સામાન્ય બટાકા જેવું જ બને છે, એવું ખેડૂતે જણાવ્યું હતું.

*પ્રયોગ પાછળનો હેતુ*

ચેતનભાઈએ જણાવ્યું કે, આ પ્રયોગનો મુખ્ય હેતુ ખેડા જિલ્લાની જમીન, આબોહવા અને તાપમાન આ બટાકાની ખેતી માટે અનુકૂળ છે કે નહીં તે ચકાસવાનો હતો. રોપા તેમને ભેટમાં મળ્યા હતા, ત્યારબાદ તેમણે વાવેતર કર્યું હતું.

પ્રથમ વર્ષના પરિણામથી તેઓ ખુશ છે. જો પરિણામ સારું રહેશે તો આવતા વર્ષે વધુ જમીનમાં આ વિશિષ્ટ બટાકાનું વાવેતર કરવામાં આવશે.આ પ્રયોગ જોવા માટે આસપાસના ગામોમાંથી પણ ખેડૂતો આવી રહ્યા છે.