ધાર્મિક@ગુજરાત: 'બોલ માડી અંબે...જય જય અંબે...'ના નાદથી ગુંજી ઉઠ્યુ અંબાજી મંદિર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભક્તોની આસ્થાને ધ્યાને લઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. ભાગરૂપે યાત્રિકો માટે તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે.મા અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં મા અંબાના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે છે. માતાના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા મા અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુઓ અને ભાવિક ભક્તો કરી રહ્યા છે.
ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરની પદયાત્રા કરી આવતા માઇભક્તો પગપાળા યાત્રાના થાકમાં પણ માના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદ્રશ્ય થઇ રહી છે.
અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા ને રોમાંચકતાનો અનુભવ કરી મંદિર પરિસરમાં કરવામાં આવેલી ઝગમગતી વ્યવસ્થા બદલ વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.