ઘટના@ગુજરાત: ટ્રેનના શૌચાલયમાંથી ચેઇનવાળા થેલામાં ત્યજી દીધેલું બાળક મળ્યું

તાત્કાલિક પોલીસને આ મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકનો કબજો લીધો હતો.
 
ઘટના@ગુજરાત: ટ્રેનના શૌચાલયમાંથી ચેઇનવાળા થેલામાં ત્યજી દીધેલું બાળક મળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ઊભી રહેલી કોટા-વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાંથી અંદાજિત દોઢ માસનું બાળક મળ્યું હતું. તાત્કાલિક પોલીસને આ મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકનો કબજો લીધો હતો. હાલ આ બાળકને સારવાર આપવામાં આવી રહી છે. આ બાળક કોણ મૂકી ગયું, કેમ મૂકી ગયું સહિતના અનેક સવાલોએ તર્કવિતર્ક જગાવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

ગોધરા શહેરના રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર-1 પર વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનના જનરલ કોચના ડબ્બાના શૌચાલયમાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો. કોઈ મુસાફરને આ વાત ધ્યાનમાં આવતાં તપાસ કરી તો એક ચેઇનવાળા થેલામાં એક બાળક રડી રહ્યું હતું. આ મામલે મુસાફરે તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી અને બાળકને શૌચાલયમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

આ બાળકને રેલવે સ્ટેશનમાં કોણ છોડી ગયું એને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. છોડી જનારાં માતા-પિતા પર રોષ વરસાયો છે. હાલ બાળકને ગોધરા સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. બાળક હાલ સ્વસ્થ હાલતમાં છે. આ મામલે પોલીસ સ્ટેશને બાળકને મૂકી જનારા સામે ગુનો નોંધાયો છે અને પોલીસે આ મામલે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

રેલવે વિભાગના ઇન્ચાર્જ PSI ઘનશ્યામસિંહ પઢિયારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગોધરા રેલવે સ્ટેશન પર ઊભી રહેલી વડોદરા-કોટા પૈસેન્જર ટ્રેનના જનરલ કોચમાં રાત્રિના 11:30 કલાકે શૌચાલયમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું. જે બાળક મળ્યું છે તે હાલ સ્વસ્થ છે અને તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યું છે. હાલ તો રેલવે પોલીસ દ્વારા આ બાળકનાં માતા-પિતા કોણ છે એની તપાસ હાથ ધરાઈ છે.