ગુનો@મોરબી: પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાડોશીએ ઘરમાં ઘૂસીને વૃદ્ધા પર હુમલો કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર બનાવો સામે આવતાજ હોય છે. બેલા ગામે પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાડોશીએ ઘરમાં ઘૂસીને વૃદ્ધા પર હુમલો કર્યો હતો અને તેમને છોડાવવા આવેલા વૃદ્ધાના બહેનને પણ તમાચો ઝીકી દીધો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે કૂવાની સામે વાળી શેરીમાં રહેતા ૬૪ વર્ષીય રતીબેન કાનાભાઇ ટમારીયાએ આરોપી વસીમ ઓસમાણભાઇ નારેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૦૧ના સાંજના સમયે રતીબેને પોતાની ભેંસ બાંધવાની પડતર જગ્યામાં પાડોશી આરોપી વસીમને તેની ચીજવસ્તુઓ મુકવાની મનાઈ ફરમાવી હતી.
આ સાંભળતા જ આરોપી વસીમ ઉશ્કેરાઈ ગયો હતો. અને રતિબેનને બેફામ ગાળો આપી હતી.
જેથી રતિબેન પોતાના ઘરે જતા રહ્યા હતા પરંતુ ઉશ્કેરાઈ ગયેલા આરોપી વસીમ રતીબેનના ઘરમાં ઘુસી ગયો હતો અને તેણે રતિબેનને ઢીંકાપાટુનો મુંઢ માર મારી ડાબો હાથ મરડી ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેકચર કરી નાખ્યું હતું. એ વખતે બન્ને છોડવવા આવેલ રતીબેનના બેન બબુબહેનને પણ આરોપીએ તમાચો મારી દીધો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.