બનાવ@બનાસકાંઠા: ભાભર વિસ્તારમાં એક જમાઈએ સાસુના પ્રેમીની હત્યા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી

 પોલીસે જમાઈની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.
 
બનાવ@બનાસકાંઠા: ભાભર વિસ્તારમાં એક જમાઈએ સાસુના પ્રેમીની હત્યા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાભર વિસ્તારમાં એક જમાઈએ સાસુના પ્રેમીની હત્યા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે જમાઈએ હત્યા કરીને વાતને દબાવી રાખવા માટે પ્રયાસ કર્યો પરંતુ પોલીસની તપાસ સામે તેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને હવે જેલના હવાલે થવુ પડ્યુ છે. આરોપી જમાઈને પોતાની સાસુના અફેરને લઈ ગુસ્સો હતો અને જેને લઈ યુવકની હત્યા કરી દીધી હતી.

પોલીસે જમાઈની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. 

ગત 1 ઓક્ટોબરે વિનોદ ઠાકોર પોતાના ઘરેથી નિકળ્યો હતો અને આ માટેનુ કારણ જાર વાઢવાનુ દર્શાવ્યુ હતુ. આમ ખેતી કામ માટે યુવક ઘરેથી નિકળ્યો હતો. પરંતુ તે પરત ફર્યો જ નહીં જેને લઈ આખરે ભાભર પોલીસ મથકે યુવક વિનોદ ઠાકોરના ગૂમ થવા અંગેની જાણ કરવામાં આવી હતી. પોલીસે ગૂમ યુવકને શોધવા માટે પ્રયાસો શરુ કર્યા હતા. આ દરમિયાન પોલીસને એક લાશ મળી હતી અને જેનાથી હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

એક લાશ પોલીસને નર્મદા કેનાલમાથી મળી આવી હતી. જે લાશના કપડા અને ટેટૂ પરથી ઓળખ થઈ હતી કે, મૃતક વિનોદ ઠાકોર છે. જેને લઈ પોલીસે તેના મોત અંગે તપાસ શરુ કરતા જ પોલીસને આ ઘટના પગ લપસવાથી કે સામાન્ય રીતે ડૂબી જવાથી મોત નિપજવાની નહીં હોવાની આશંકા જણાઈ હતી. જેના આધારે પોલીસે લાશનુ પોસ્ટમોર્ટમ કર્યા બાદ તપાસનો ધમધમાટ આશંકાને દૂર કરવા માટે શરુ કર્યો હતો. આ દરમિયાન પોલીસને એક બાદ એક કડીઓ મળવા લાગી હતી, જે હત્યાનો ગુનો હોવા તરફ તપાસની દીશા આગળ વધારવા લાગી હતી.

પોલીસ મળવા લાગેલા પૂરાવા અને વિગતોથી હત્યા હોવાનુ અને તેનો આરોપી ગેલાજી ઠાકોર હોવાની શંકા મજબૂત બની હતી. જેના આધારે તેની પૂછપરછ શરુ કરતા આખરે પોલીસના પૂરાવા અને પ્રશ્નો સામે તે ભાંગી પડ્યો હતો અને હત્યાનો આખોય ઘટનાક્રમ દર્શાવીને ગુનો કબૂલ કરી લીધો હતો.

તપાસ કરી રહેલા અધિકારી એનવી રહેવરને આરોપી ગેલાજીએ બતાવ્યુ હતુ કે, તેમની સાસુ સાથે મૃતક વિનોદ ઠાકોરને આડા સંબંધ હતા. જેને લઈ તેના મનમાં રીસ હતી. આ કારણથી તેણે તેની હત્યા કરવા માટેની યોજના મનમાં જ ઘડી કાઢી હતી. જે મુજબ વિનોદને જાર વાઢવા માટે વાવ તાલુકાના ભડવેલ ગામે બોલાવ્યો હતો. જ્યાં ફાફરાળી પુલ પાસે નર્મદા કેનાલ પાસે લઈ જઈ વાતોમાં રાખીને પાછળથી ધક્કો મારી કેનાલમાં નાંખી દીધો હતો. આમ વિનોદ કેનાલમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો.